છોટા ઉદેપુરમાં દેવલીયા પાસે અકસ્માતમાં ત્રણના મોત નીપજ્યા

છોટાઉદેપુર, છોટા ઉદેપુરમાં દેવલીયા પાસે અકસ્માતમાં ત્રણના મોત નીપજ્યા છે. મોડી રાત્રે થયેલા અકસ્માતમાં બાઇક સવાર ત્રણના મોત થયા છે. બોલેરોએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો તો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. આ ઉપરાંત અકસ્માતના પગલે બાઇક ફંગોળાઈને રસ્તાની જોડેની ઝાડીઓમાં ફેંકાઈ ગયું હતું. આ ઉપરાંત બોલેરો પણ અકસ્માતના પગલે નજીકની ઝાડીઓમાં ફેંકાઈ ગઈ હતી. તેના લીધે બોલેરોમાં બેઠેલા લોકો પણ ઇજા પામ્યા છે.

અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તેઓએ ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ને બોલાવવામાં આવી હતી. તેની સાથે કેટલાયને તો અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી. સ્થાનિકોની મદદના કારણે કેટલાય લોકોના જીવ બચી શક્યા હતા. ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેની સાથે મૃત્યુ પામેલાઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃત્યુ પામેલાઓની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.