છોકરીઓ ૭ વર્ષની ઉંમરે પીવે છે સિગારેટ, ઘણી બીડીની પણ શોખીન, આ રાજ્યમાં થયો ચોકાવનાર ખૂલાસો

ભોપાલ,

એક રિપોર્ટમાં મધ્યપ્રદેશ ને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. તાજેતરમાં જ મધ્યપ્રદેશમાં યુવાનોમાં તમાકુ ઉત્પાદનોના ઉપયોગને લઈને એક સર્વે કરવામાં આવ્યો છે.

ગ્લોબલ યુથ ટોબેકો સર્વેના અહેવાલમાં જણાવાયું છે કે એમપીમાં છોકરીઓ ૭ વર્ષની ઉંમરે જ સિગારેટ પીવાનું શરૂ કરે છે.તેવી જ રીતે, આ સર્વેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે છોકરાઓ સામાન્ય રીતે સાડા અગિયાર વર્ષની ઉંમરથી સિગારેટ પીવાનું શરૂ કરે છે. નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર પ્રિયંકા દાસે હોટેલ તાજ, ભોપાલમાં આયોજિત ઉમંગ સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામમાં આ અંગે માહિતી આપી છે. આ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી ડો.પ્રભુરામ ચૌધરીએ ગ્લોબલ યુથ ટોબેકો સર્વેના અહેવાલનું વિમોચન કર્યું હતું.

સર્વે રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે છોકરીઓની ધૂમ્રપાન કરવાની રાષ્ટ્રીય સરેરાશ ઉંમર ૯ વર્ષ અને ત્રણ મહિનાની આસપાસ છે. એ જ છોકરાઓની ઉંમર ૧૦ વર્ષ ૪ મહિના છે. મધ્યપ્રદેશ અંગેના આ સર્વે રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યમાં લગભગ ૨.૧૦ ટકા છોકરીઓ અને ૨.૪૦ ટકા છોકરાઓ સિગારેટ પીવે છે. આ સિવાય ૧ ટકા છોકરીઓ બીડી પણ પીવે છે. રાજ્યમાં લગભગ ૪.૪૦ ટકા છોકરાઓ અને ૩.૫૦ ટકા છોકરીઓ કોઈને કોઈ સ્વરૂપે તમાકુનું સેવન કરે છે. આ છોકરા-છોકરીઓની ઉંમર ૧૩થી ૧૫ વર્ષની વચ્ચે છે. સર્વેમાં જણાવાયું છે કે યુવા તમાકુના ઉપયોગ અંગે ૩૫ અન્ય રાજ્યોની સરખામણીમાં મયપ્રદેશ ૨૯માં સ્થાને છે.

મધ્યપ્રદેશમાં નાના બાળકોમાં તમાકુનું વધતું વ્યસન ખરેખર આઘાતજનક અને ચિંતાજનક છે. નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર પ્રિયંકા દાસના જણાવ્યા અનુસાર, એમપીમાં દર ૧૦૦માંથી ૭ છોકરીઓ સિગારેટ પીવે છે. સરેરાશ, છોકરીઓ ૭ વર્ષની ઉંમરે સિગારેટ પીતા શીખી રહી છે. રાજ્યની શિવરાજ સિંહ ચૌહાણ સરકાર પણ સમયાંતરે ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન ચલાવે છે, પરંતુ આ સર્વેમાં ખરેખર ચોંકાવનારા ખુલાસા થયા છે.