મધ્ય પ્રદેશમાં બહુચર્ચિત છિંદવાડા મત વિસ્તારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. લોકસભા વોટિંગના દિવસ સુધી અદલાબદલી ચાલુ છે. છિંદવાડાના મેયર વિક્રમ અહાકેએ બધાને ચોંકાવી દીધા છે. તેઓ 18 દિવસની અંદર જ કોંગ્રેસમાં પરત આવી ગયા છે. તેમણે એક વીડિયો જારી કરીને કમલનાથ અને નકુલનાથની પ્રશંસા કરીને કોંગ્રેસ ઉમેદવાર તરફી વોટ નાંખવા અપીલ કરી.
વિક્રમ અહાકેનો વીડિયો શેર કરતા મધ્ય પ્રદેશ કોંગ્રેસે લખ્યું, છિંદવાડામાં ભાજપને મોટો ફટકો પડ્યો, કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા મેયર વિક્રમ અહાકે ફરીથી એકવખત નકુલનાથ અને કમલનાથજી સાથે આવ્યા. મેયર વિક્રમ અહાકેએ એક વીડિયો જાહેર કરીને છિંદવાડાના લોકોને નકુલ કમલનાથજીને મત આપવા અપીલ પણ કરી. જય કોંગ્રેસ, જય છિંદવાડા.
જણાવી દઈએ કે 1 એપ્રિલના રોજ છિંદવાડા નગર નિગમના મેયર વિક્રમ અહાકે રાજધાની ભોપાલ પહોંચીને ભાજપમાં જોડાયા હતા. મુખ્યમંત્રી ડો.મોહન યાદવ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ કમલનાથના નજીકના સહયોગી વિક્રમ અહાકેને પાર્ટીનું સભ્યપદ આપ્યું હતું.
છિંદવાડા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી વિભાગના અધ્યક્ષ પ્રમોદ શર્મા સાથે મેયર વિક્રમ આહકે, અનુસૂચિત જાતિ વિભાગના જિલ્લા પ્રમુખ સિદ્ધાંત થનેસર, ભૂતપૂર્વ NSUI જિલ્લા પ્રમુખ આશિષ સાહુ, ભૂતપૂર્વ NSUI જિલ્લા ઉપાધ્યક્ષ ધીરજ રાઉત, ભૂતપૂર્વ NSUI જિલ્લા કાર્યકારી પ્રમુખ આદિત્ય ઉપાધ્યાય, ભૂતપૂર્વ NSUI વિધાનસભા અધ્યક્ષ સુમિત દુબે પણ ભાજપમાં જોડાયા હતા.