છેવાડાના માનવીના સુધી યોજનાકીય લાભ પહોંચાડવાના હેતુ સાથે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ હાથીવન ગામે પહોંચતા રથનું ઉષ્માભેર સ્વાગત

લુણાવાડા,આગામી વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં પ્રસ્થાપિત કરવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને મિશન બનાવીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વિઝનરી નેતૃત્વવાળી રાજ્ય સરકારે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ થકી રાજ્ય સહિત મહીસાગર જિલ્લાના છેવાડાના માનવીના ઘરઆંગણે સુધી વિવિધ યોજનાકીય લાભ પહોંચાડવાનો મહાયજ્ઞ શરૂ કર્યો છે. ગરીબ પરિવારોના જીવનધોરણમાં ઉન્નતિ લાવવા માટે જિલ્લાના છ તાલુકાઓમાં ગામેગામ ભ્રમણ કરી રહેલી આ સંકલ્પ યાત્રા લુણાવાડા તાલુકાના હાથીવન ગ્રામ પંચાયતે પહોંચતા રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં લુણાવાડા પ્રાંત અધિકારી આનંદ પાટિલ, યાત્રા ઇન્ચાર્જ મુળજીભાઈ રાણા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ મીનાબેન ચાવડા, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ અરવિંદસિંહ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહાવીરસિંહ, તાલુકા ભાજપ મહામંત્રી અરવિંદ પટેલ, સરપંચ શારદાબેન, ડે.સરપંચ, ગ્રામ પંચાયત સભ્યો, શાળા પરિવાર, આરોગ્ય, આઈસીડીએસ, ખેતીવાડી સહીત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ લાભાર્થીઓ, ગ્રામજનોની ઉપસ્થિતિમાં મહાનુભાવોએ સંકલ્પ યાત્રાનું મહત્વ સમજાવી સરકારની વિવિધ યોજનાઓનો લાભો લેવા અનુરોધ કર્યો હતો. આ યાત્રામાં મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી બાળકોને પ્રમાણપત્ર તેમજ લાભાર્થીઓને ઘરઆંગણે જ સરકારની વિવિધ યોજનાઓના લાભ એનાયત કરવામાં આવ્યા હતાં.

મેરી કહાની, મેરી જુબાની હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સફળતાની વાર્તાઓ રજૂ કરીને સૌને લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતાં. પ્રાકૃતિક ખેતી અપનાવી પર્યાવરણને બચાવવા અંગે શાળાની બાલિકાએ વક્તવ્ય પ્રસ્તુત કર્યું હતું. મહાનુભાવોના હસ્તે સરપંચ-તલાટી કમ મંત્રીને પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી, અને 2047 સુધી ‘વિકસિત ભારત’ બનાવવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી.

આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પૌષ્ટિક આહર અંગેનું સ્ટોલ પ્રદર્શન યોજાયું હતું. સાથે આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા હેલ્થ કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો. કાર્યક્રમના અંતે ડ્રોન દ્વારા ખેતીમાં કેવી રીતે દવાનો છંટકાવ કરી શકાય તે માટે ઉપસ્થિત ધરતીપુત્રોએ માહિતી મેળવી હતી.