
બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન વિરુદ્ધ વર્ષ 2018માં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. સોમવારે, અભિનેત્રી આ કેસની સુનાવણી માટે કોલકાતાની કોર્ટમાં હાજર થઈ હતી.
કોર્ટે આ કેસમાં ઝરીનને વચગાળાના જામીન મંજૂર કર્યા હતા અને તેને પરવાનગી વિના દેશ ન છોડવાનો આદેશ આપ્યો હતો. ઝરીને 2010માં સલમાન ખાનની ફિલ્મ ‘વીર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
આ કેસમાં થોડા મહિના પહેલા કોર્ટે ઝરીનના નામે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું, ત્યારબાદ કોલકાતા પોલીસે અભિનેત્રીને સમન્સ પાઠવ્યું હતું. હવે આખરે અભિનેત્રીને આ મામલે થોડી રાહત મળી છે. કોલકાતાની સિયાલદહ કોર્ટે તેને 26 ડિસેમ્બર સુધી 30,000 રૂપિયાના અંગત બોન્ડ પર વચગાળાના જામીન આપ્યા છે.
સોમવારે ઝરીન આ સુનાવણીમાં હાજરી આપવા માટે મુંબઈથી કોલકાતા પહોંચી હતી. ઝરીને કોર્ટમાં કાળી કેપ પહેરી હતી. તેણે પોતાનો ચહેરો માસ્કથી ઢાંક્યો હતો. તેના કેસની સુનાવણી એક કલાક સુધી ચાલી હતી.
2018માં ઝરીન કોલકાતામાં દુર્ગા પૂજા કાર્યક્રમમાં પરફોર્મ કરવાની હતી.અભિનેત્રીએ આ કાર્યક્રમ માટે આયોજકો પાસેથી 12 લાખ રૂપિયા એડવાન્સ લીધા હતા.આ પછી અભિનેત્રી ન તો કાર્યક્રમમાં પહોંચી કે ન તો આયોજકોને જાણ કરી.આયોજકો તેની રાહ જોતા રહ્યા અને બાદમાં ઝરીન સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો.ઝરીન ફરી એકવાર 2015માં રિલીઝ થયેલી હેટ સ્ટોરી 3 થી ચર્ચામાં આવી.
ઝરીને 2010માં વીર ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેણે સલમાનની ફિલ્મ ‘રેડી’માં આઈટમ નંબર કર્યું હતું. આ સિવાય અભિનેત્રીએ ‘હાઉસફુલ 2’, ‘હેટ સ્ટોરી 3’, ‘અક્સર 2’ અને ‘1921’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ઝરીન છેલ્લે 2021માં રિલીઝ થયેલી ‘હમ ભી અકેલે તુમ ભી અકેલે’માં જોવા મળી હતી.