છેલ્લા કલાકની લેવાલીએ બજાર ૧૪૯ પોઇન્ટ વધીને બંધ આવ્યું

મુંબઇ, દિવસભર ભારે વોલેટિલિટી જોવા છતાં, ટ્રેડિંગના છેલ્લા કલાકમાં બાયબેકને કારણે ભારતીય શેરબજાર પોઝિટિવ બંધ આવ્યું હતું. એફએમસીજી, ફાર્મા અને ઓટો શેરોમાં ખરીદીને કારણે બજારમાં આ તેજી પાછી આવી. આજના કામકાજના અંતે BSE સેન્સેક્સ ૧૪૯ પોઈન્ટ વધીને ૬૫,૯૯૫ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૬૨ પોઈન્ટના ઉછાળા સાથે ૧૯,૬૩૨ પોઈન્ટ પર બંધ થયો હતો.

આજના કારોબારમાં ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો પ્રભાવશાળી ઉછાળા સાથે બંધ થયા છે. જ્યારે બેન્કિંગ , રિયલ એસ્ટેટ સેક્ટરના શેરો ઘટ્યા હતા. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ફરી જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૭ વધ્યા અને ૧૩ નુક્સાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટી ના ૫૦ શેરોમાંથી ૩૪ શેરો તેજી સાથે અને ૧૬ ઘટાડા સાથે બંધ થયા હતા.

આજના કારોબારમાં રોકાણકારોની સંપત્તિમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો છે. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. ૩૦૬.૨૯ લાખ કરોડના સ્તરે બંધ થયું હતું, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂ. ૩૦૫.૩૯ લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૯૦,૦૦૦ કરોડનો વધારો થયો છે.

આજના કારોબારમાં જેએસડબ્લ્યુ ૨.૬૮ ટકા, ટાટા મોટર્સ ૨.૫૭ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૩૫ ટકા, ટેક મહિન્દ્રા ૧.૮૮ ટકા, ટાટા સ્ટીલ ૧.૭૪ ટકા, આઇટીસી ૧.૩૬ ટકા, ટાઇટન ૧.૧૮ ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે મારુતિ સુઝુકી ૦.૮૭ ટકા, બજાજ ફાઇનાન્સ ૦.૮૭ ટકા, પાવર ગ્રીડ ૦.૫૨ ટકા, ભારતી એરટેલ ૦.૨૬ ટકા,ટીસીએસ ૦.૧૯ ટકા ઘટીને બંધ થયા છે.