- વિશ્વના ઘણા દેશો અને દરિયાકાંઠાના શહેરો ડૂબી જશે : ખતરાની ઘંટડી
છેલ્લા ૩૦ વર્ષમાં ગ્રીનલેન્ડના ૨૮,૭૦૭ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો બરફ પીગળી ગયો છે. સમસ્યા એ છે કે જ્યાં પહેલા બરફ હતો ત્યાં પથ્થરો, ભીની જમીન અને કેટલીક ઝાડીઓ મળી આવી હતી. હવે ત્યાં હરિયાળી ઉગી રહી છે. મોટાભાગની વેટલેન્ડ વનસ્પતિ એટલે કે વૃક્ષો, છોડ અને ઘાસ દક્ષિણ-પશ્ચિમમાં કાંગેરલુસૌક અને ઉત્તર-પૂર્વના દૂરના વિસ્તારોમાં ફેલાઈ રહ્યાં છે.
અતિશય ગરમીના કારણે બરફ પીગળી રહ્યો છે. બરફની મોટી ચાદર ઓગળી રહી છે અને સંકોચાઈ રહી છે. ૧૯૭૦થી ગ્રીનલેન્ડનો બરફ પીગળવાનો દર વિશ્વની સરેરાશ કરતા બમણો છે. ૧૯૭૯ થી ૨૦૦૦ દરમિયાન હવાનું સરેરાશ તાપમાન ૨૦૦૭ થી ૨૦૧૨ ની સરખામણીમાં ૩ ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. બરફ પીગળવાને કારણે તાપમાન એવું થઈ રહ્યું છે કે જેનાથી વૃક્ષો અને છોડ ઉગી રહ્યા છે.
લીડ્ઝ યુનિવર્સિટીના વૈજ્ઞાાનિકોએ ગ્રીનલેન્ડની બદલાતી બરફની ચાદરનો અભ્યાસ કર્યો. આમાં હવાનું તાપમાન પણ સામેલ હતું. કારણ કે હવાના તાપમાનમાં વધારો થવાથી બરફ પીગળે છે. આ કારણે જમીન બરફમાંથી બહાર આવે છે. તેની સપાટી ગરમ છે. પછી ગ્રીનહાઉસ વાયુઓ ઉત્સર્જિત થાય છે. જેના કારણે આ કુદરતી સ્થળનું સંતુલન બગડી રહ્યું છે.
એવું ન બને કે થોડા વર્ષોમાં સફેદ બરફથી ઢંકાયેલો ગ્રીનલેન્ડ વૃક્ષો અને છોડવાઓથી સંપૂર્ણપણે લીલો થઈ જાય. લીડ્સ યુનિવર્સિટીના જોનાથન કેર્વિકે કહ્યું કે અમે જોયું છે કે ગ્રીનલેન્ડમાં બરફ ઝડપથી પીગળી રહ્યો છે. હરિયાળી વધી રહી છે. ગ્રીનલેન્ડ માટે ખૂબ હરિયાળું હોવું હાનિકારક છે. બરફ પીગળ્યા પછી જે જમીન બહાર આવે છે તેના પર ઝાડીઓ ઉગે છે.
આ અભ્યાસના મુખ્ય વૈજ્ઞાાનિક ડૉ. માઇકલ ગ્રિમ્સે જણાવ્યું હતું કે પીગળતા બરફમાંથી વહેતું પાણી માટી અને કાંપ વહન કરીને આગળ વધે છે. આ વેટલેન્ડ્સ અને ફેનલેન્ડ્સને સપોર્ટ કરે છે. જો જમીન આમ જ વધતી રહેશે અને જો બરફ પીગળવાનું ચાલુ રહેશે, તો જમીન પર નીંદણ વધતા રહેશે. પીગળતા બરફને કારણે સમુદ્રનું સ્તર વધતું રહેશે. જેના કારણે દરિયાકાંઠાના શહેરોને નુકસાન જશે.
ગ્રીનલેન્ડમાં રહેતા લોકો ત્યાંની નાજુક ઇકોસિસ્ટમને સમજે છે. તેઓ ત્યાં શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જેના કારણે તેમને પણ મુશ્કેલી થશે. કારણ કે ત્યાંની જમીન હવે સંપૂર્ણપણે પરમાફ્રોસ્ટ છે. તે સદીઓથી સ્થિર છે. જ્યારે આવી જમીન પર હરિયાળી ઉગે છે, ત્યારે નવા અને પ્રાચીન વાયરસ અને બેક્ટેરિયાના વિકાસની શકયતા રહે છે.
આ અભ્યાસ સાયન્ટિફિક રિપોર્ટ્સ નામની જર્નલમાં પ્રકાશિત થયો છે. ગ્રીનલેન્ડ આર્કટિક પ્રદેશમાં આવે છે. આ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે. તેનો વિસ્તાર ૨૧ લાખ ચોરસ કિલોમીટર છે. મોટા ભાગનો વિસ્તાર બરફથી ઢંકાયેલો છે. અહીં લગભગ ૫૭ હજાર લોકો રહે છે. ૧૯૭૦માં જ્યારે ગ્લોબલ વોર્િંમગ શરૃ થયું ત્યારે અહીં તેની અસર બમણી થઈ ગઈ. ભવિષ્યમાં અહીંનો બરફ ખતમ થવાની સંભાવના છે. જેના કારણે વિશ્વના ઘણા દેશો અને દરિયાકાંઠાના શહેરો ડૂબી જશે. કારણ કે દરિયાની સપાટી વધશે.