- બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધતા નીચાણ વાળા ગામોને કરાયા એલર્ટ.
અમદાવાદ, હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તો છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૩ તાલુકામાં વરસાદ પડ્યો છે. સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ ૬ ઇંચ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ તલોદ, મોડાસા, લુણાવાડામાં પાંચ-પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે. તો વીરપુર, સંતરામપુર, ઉપલેટા, ધનસુરામાં પણ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે.
વિસાવદર, દાંતા, વિસનગર અને ડોલવણમાં ચાર-ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સીઝનનો સરેરાશ ૪૭ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ કચ્છમાં સીઝનનો ૧૧૨ ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં ૬૪ અને ઉત્તર ગુજરાતમાં ૫૦ ટકા વરસાદ વરસ્યો છે.તો હવામાન વિભાગ દ્બારા બનાસકાંઠાના દાંતીવાડા ડેમના નીચાણ વાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમમાં પાણીની આવક વધતા ગમે ત્યારે પાણી છોડાય તેવી શક્યતા છે. ડેમના નીચણાવાળા ગામોના તલાટી, સરપંચને સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવા માટે સૂચના આપવામાં આવી છે.
બનાસકાંઠાના દાંતીવાડા ડેમના નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા છે. ડેમમાં પાણીની આવક વધતા ગમે ત્યારે પાણી છોડાઈ શકે છે. ડેમના નીચણાવાળા ગામોના તલાટી, સરપંચને સૂચના અપાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવા માટે સૂચના આપવામાં આવી છે. પાટણ, બનાસકાંઠાના અનેક ગામોને એલર્ટ કરાયા છે. દાંતીવાડા ડેમમાં હાલ ૫૯૨ ફૂટની જળસપાટી છે. જ્યારે ડેમની કુલ સપાટી ૬૦૪ ફૂટ છે. ડેમમાં હાલ ૪૫ હજાર ક્યુસેક પાણીની આવક છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પાણીની આવક વધી શકે છે.
હિંમતનગર-તલોદ સ્ટેટ હાઈવે પરના છત્રીસા ગામ નજીક માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. બે કલાક સુધી હાઈવે પર એક થી દોઢ ફુટ પાણી વહેતા વાહનચાલકો હાલાકીમાં મુકાયા હતા. તલોદમાં માર્કેટ યાર્ડ વિસ્તાર, જીઈબી વિસ્તાર અને બસ સ્ટેશન વિસ્તારના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. પાણી નિકાળવા માટે કેટલાક સ્થળે મશીન ચલાવવા પડ્યા હતા અને આમ પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.