શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા અપાતી સુવિધા સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્ર્નનો ઉત્તર આપતા રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યના ખેલપ્રેમી વિદ્યાર્થીઓ માટે ઈન સ્કૂલ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે. જેમાં શિક્ષણની સાથે સાથે રમતગમતની તાલીમ પૂરી પાડવામાં આવે છે.ઈન સ્કૂલ શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા ફાળવેલા રમતના સાધનો અને મેદાનો માટે કેપિટલ ખર્ચ કરવામાં આવે છે. આ યોજનામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વિવિધ આઉટસોસગ એજન્સીઓ દ્વારા પસંદ થયેલી શાળાઓમાં વિવિધ રમતના ટ્રેનર્સ પૂરા પાડવામાં આવે છે. એટલું જ નહિ, શાળા સમય દરમિયાન ફિઝિકલ એજ્યુકેશનના તાસ અને શાળા સમય બાદ ખેલાડીઓને ટ્રેનર્સ દ્વારા ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવે છે. ગુજરાતમાં રમત-ગમત ક્ષેત્રે દાહોદ જિલ્લાનું યોગદાન સૌથી વધુ અને મહત્વપૂર્ણ છે. આદિવાસી વિસ્તાર દાહોદના ગરીબ અને સામાન્ય પરિવારના બાળકોમાં રહેલી ખેલ ક્ષમતાને વધુ ઉજાગર કરવા તેમજ તેમને ભણતર સાથે રમત-ગમતની સંપૂર્ણ તાલીમ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા દાહોદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ‘હાઈ પરફોર્મન્સ સેન્ટર‘ બનાવવામાં આવ્યું છે. તા.૩૧મી ડીસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં દાહોદ જિલ્લામાં આવેલી ઈન સ્કૂલ ૯; શાળાઓમાં તાલીમ લેતા ખેલાડીઓ સંદર્ભે પૂછાયેલા પૂરક પ્રશ્ર્નનો પ્રત્યુત્તર આપતા મંત્રીએ કહ્યું કે, દાહોદ જિલ્લામાં આવેલી ઈન સ્કૂલ શાળાઓમાં છેલ્લા બે વર્ષમાં ૪૭૩૯ ખેલાડીઓએ તાલીમ લીધી છે.