છેલ્લા બે વર્ષમાં ૧૩૦૭૩ મિલિયન યુનિટ સોલાર પાવર પોલિસી હેઠળ ખાનગી ઉત્પાદકો પાસેથી ખરીદી

પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે ગૃહમાં કર્યો પ્રશ્ર્ન પૂછયો હતો કે, છેલ્લા બે વર્ષમાં વર્ષવાર બિનપરંપરાગત ઉર્જા અંગેની સોલાર પાવર પોલિસી અન્વયે ખાનગી ઉત્પાદકો પાસેથી કેટલી વીજળી ક્યાં ભાવે ખરીદવામાં આવી છે? જેના જવાબમાં રાજ્યના ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષમાં બિનપરંપરાગત ઉર્જા માટે સોલાર પાવર પોલિસી અન્વયે ખાનગી ઉત્પાદકો પાસેથી વર્ષ ૨૦૨૨માં ૬૦૫૯ મિલિયન યુનિટ વીજળી ૪.૭૬ રૂપિયાના ભાવે યુનિટ દીઠ સરેરાશ ખરીદી છે. જ્યારે વર્ષ ૨૦૨૩માં ૭૦૧૪ મિલિયન યુનિટ વીજળી ૪.૨૯ રૂપિયાના ભાવે યુનિટ દીઠ સરેરાશ ખરીદી છે. છેલ્લા બે વર્ષ દરમિયાન રાજય સરકાર દ્વારા ૧૩૦૭૩ મિલિયન યુનિટ સોલાર પાવર પોલિસી હેઠળ ખાનગી ઉત્પાદકો પાસેથી ખરીદવામાં આવી છે.

રાજ્યના ૧૦૦ વર્ષ જૂના ડેમો ડેમ સેફટી એક્ટ હેઠળ પાણી સંગ્રહિત કરી શકાય છે કે કેમ અને તેની ચકાસણી કરવામાં આવે છે કે કેમ? તે પ્રશ્ર્ન વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ ઉઠાવ્યો હતો. રાજ્યના જળસંપત્તિ મંત્રીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ ૧૦૦ વર્ષ જૂના ૨૯ ડેમો છે. ૨૯ ડેમોની સેફટી એક્ટ હેઠળ ચકાસણી કરી દેવામાં આવી છે. તમામ ૨૯ ડેમો જળ સંગ્રહ માટે સક્ષમ છે.