છેલ્લાં ૧૦ વર્ષોમાં અન્ય પક્ષોના ૬૦૦ નેતાઓ ભાજપમાં સામેલ

નવીદિલ્હી, દેશમાં ચૂંટણીની સીઝન શરૂ થતાં જ રાજકીય પક્ષોમાં નેતાઓનો દળબદલનો ખેલ શરૂ થઈ જાય છે. છેલ્લા સાત દિવસમાં ચાર રાજ્યોના બે ડઝનથી વધુ નેતાઓએ વંડી ઠેકી છે. આ દળબદલવાળાઓમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રીથી માંડીને મેયરના સ્તરે નેતાઓ સામેલ છે. ભારતમાં પાટલીબદલુઓનો ખેલ ૧૯૬૦-૭૦માં હરિયાણામાં શરૂ થયો હતો. ધીમે-ધીમે એ રાજકીય રોગ દેશઆખામાં ફેલાઈ ગયો છે.

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ મુજબ સાંસદ અને વિધાનસભ્યોના સ્તરે ૧૦૦૦થી વધુ નેતાઓ ૨૦૧૪-૨૧ના ગાળામાં દળબદલના ખેલમાં સામેલ થયા હતા. આ સાત વર્ષના ગાળામાં વિધાનસભ્યો-સાંસદના સ્તરે ૩૯૯ નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. બીજા ક્રમે BSP રહી છે. BSP છોડનારા નેતાઓની સંખ્યા ૧૭૦ની આસપાસ છે. જ્યારે આ સાત વર્ષોમાં ૧૪૪ નેતાઓએ ભાજપ છોડીને અન્ય પાર્ટીઓમાં સામેલ થયા છે.

વર્ષ ૨૦૧૪ પછી ભારતમાં અત્યાર સુધી આઠ ભૂતપૂર્વ મુખ્ય મંત્રીઓ પાલો બદલી ચૂક્યા છે, એમાં અશોક ચવ્હાણ, કેપ્ટન અમરિંદર સિંહ અને નારાયણ રાણેનાં મુખ્ય છે, જ્યારે ૨૦થી વધુ કેન્દ્રીય મંત્રી પણ દળબદલના ખેલમાં સામેલ થયા છે.

વર્ષ ૨૦૧૪ પછી સૌથી વધુ નેતાઓ ભાજપમાં ગયા છે. ૨૦૧૪-૨૧ સુધી વિધાનસભ્યો-સાંસદોના સ્તરે ૪૨૬ નેતાઓએ ભાજપમાં ગયા છે, જ્યારે વર્ષ ૨૦૨૧થી ૨૦૨૩ સુધી વિધાનસભ્ય અને સાસંદના સ્તરે આશરે ૨૦૦ નેતાઓ ભાજપમાં સામેલ થયા છે. આ બે વર્ષોમાં ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ દળબદલનો ખેલ થયો છે. આ દરમ્યાન કોંગ્રેસમાં માત્ર ૧૭૬ દળબદલુ નેતા સામેલ થયા છે. દેશમાં પાંચ રાજ્યોમાં દળબદલુ નેતાઓને કારણે ભાજપની વોટબેક્ધમાં વધારો થયો છે. ૨૦૧૪ની ચૂંટણીમાં આશરે ૧૦ સીટો પર ભાજપે દળબદલુઓને ટિકિટ આપી છે.