છેડતીનું દુ:ખ:’ભાબીજી ઘર પર હૈ’ ફૅમ સૌમ્યા ટંડને કહ્યું, ’રસ્તા પર કણસતી પડી રહી, પરંતુ કોઈ મદદ માટે આગળ ના આવ્યું’

મુંબઈ,

ટીવી સિરિયલ ’ભાબાજી ઘર પર હૈ’ની અનીતાભાભી એટલે કે સૌમ્યા ટંડન છેલ્લાં ઘણાં સમયથી એક્ટિંગથી દૂર છે. ૨૦૨૦માં સૌમ્યાએ આ સિરિયલ છોડી દીધી હતી. આ શોથી સૌમ્યા ઘેર-ઘેર જાણીતી બની હતી. હાલમાં જ સૌમ્યાએ પોતાની સાથે બનેલી ઘટનાની વાત કરી હતી.

સૌમ્યાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઉજ્જૈનમાં તેની સાથે ઇવ-ટીઝિંગની ઘટના બની હતી. અહીંયા એક યુવકે તેનાં સેથામાં સિંદૂર પૂરી દીધું હતું અને અન્ય એક ઘટનમાં એક યુવકે તેને ઓવરટેક કરીને પાડી દીધી હતી.

ઇન્ટરવ્યૂમાં સૌમ્યાએ કહ્યું હતું, ’શિયાળાની વાત છે. એક રાત્રે તે ઘરે પરત ફરી રહી હતી અને એક યુવકે બાઇક રોકીને તેના પર સિંદૂર નાખી દીધું હતું. આ ઉપરાંત જ્યારે તે સ્કૂલમાં હતી ત્યારે તે સાયકલ પર જતી હતી તો એક યુવકે તેને ઓવરેટ કરી તો તે પડી ગઈ હતી. તેને માથામાં ઈજા થઈ હતી અને ફ્રેક્ચર પણ થઈ ગયું હતું. તેને દુખાવો થતો હતો અને તેણે બૂમો પાડી હતી, પરંતુ કોઈએ તેની મદદ કરી નહોતી.’

સૌમ્યાએ વધુમાં કહ્યું હતું કે ઉજ્જૈનમાં તે જેટલો સમય રહી તેણે સલામતીનું બહુ ધ્યાન રાખ્યું હતું. ક્યારેક રસ્તા પર છોકરાઓ તેનો પીછો કરતા તો ક્યારેય કંઈક બીજું. ક્યારેક દીવાલ પર કંઈક પણ લખી જતાં તો ચિઠ્ઠીઓ ફેંકીને જતા રહેતા. નોંધનીય છે કે સૌમ્યા ટંડનનો જન્મ ૩ નવેમ્બર, ૧૯૮૪માં મધ્યપ્રદેશમાં ભોપાલમાં થયો છે, પરંતુ તેણે ઉજ્જૈનમાં અભ્યાસ કર્યો છે. સૌમ્યાએ મોડલિંગથી કરિયરની શરૂઆત કરી હતી.

સૌમ્યાએ ૨૦૦૮માં અફઘાની સિરિયલ ’ખુશી’થી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે કેટલાંક શો હોસ્ટ કર્યા હતા. પછી તે ’જબ વી મેટ’ ફિલ્મમાં કરીનાના બહેનના રોલમાં જોવા મળી હતી. જોકે, ’ભાબીજી ઘર પર હૈ’થી તેને લોકપ્રિયતા મળી હતી.

સૌમ્યાએ કરિયરની શરૂઆતમાં રિજેક્શનનું દુ:ખ સહન કર્યું છે. સ્કીન વધુ પડતી વ્હાઇટ હોવાથી તેને રિજેક્ટ કરી દેવામાં આવતી હતી. ઑડિશનમાં તેને કહેવામાં આવતું કે તે ઇન્ડિયન નથી અને વધુ પડતી વ્હાઇટ લાગે છે. આથી તેને સાઇન કરી શકાય નહીં.

સૌમ્યાએ ૨૦૧૬માં સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. સૌરભ તથા સૌમ્યા લગ્ન પહેલાં ૧૦ વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતા અને બંને લીવ ઇનમાં પણ રહેતા હતા. સૌરભે અમદાવાદ અભ્યાસ કર્યો છે. ૨૦૧૯માં સૌમ્યાએ દીકરાને જન્મ આપ્યો હતો.