છેડતીના કેસમાં આરોપીના જામીન રદ્દ કરતી ધોરાજીની સેશન્સ અદાલત

છેડતીના કેસમાં આરોપીના રેગ્યુલર જામીન ધોરાજી સેશન્સ અદાલત દ્વારા રદ્દ કરવામાં આવેલ છે.આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખ સમક્ષ અરજદાર જીતેન્દ્ર નથુભાઈ ચૌહાણ (રહે પીપળીયા વાળા)એ આગોતરા જામીન અરજી કરેલી હતી.અરજદાર તરફથી જણાવવામાં આવેલું હતું કે, તેઓ તદ્દન નિર્દોષ છે અને બનાવ વાળી જગ્યાએ સીસીટીવી ફૂટેજ પણ અવેલેબલ છે પોલીસ તટસ્થ તપાસ કરી રહી નથી

જો તટસ્થ તપાસ કરે તો સત્ય હકીકત બહાર આવે, આવા સંજોગોમાં અરજદારને આગોતરા જામીન નું રક્ષણ આપવું જોઈએ. વિશેષમાં એવી પણ રજૂઆત કરી હતી કે સજાની જોગવાઈ જોવામાં આવે અને કેસ ચલાવવાની સત્તા નીચેની અદાલત એટલે કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ની છે તો જામીન ઉપર છોડવાનો હુકમ મળવા અરજી કરેલી હતી.આ કામના તપાસ કરનાર અધિકારી વિજેન્દ્રસિંહ નિરુભા જાડેજા એ સોગંદનામું રજૂ કરેલું હતું અને જામીન ઉપર અરજદારને છોડવા માટે વિરોધ કરેલો હતો.

વી એન જાડેજાએ પોતાના સોગનના મામા જણાવેલ હતું કે, આ અરજદારને અગાઉ મોટીમારડના સરપંચ મકાતીને છરી મારી દેવાના કિસ્સામાં ભારતીય દંડ સંહિતા કલમ 307 હેઠળ તકસીરવાન ઠરાવવામાં આવેલ છે. અને અદાલતે સજા તથા દંડ ફટકાવેલ છે. તથા પીપળીયા ગામની ભોગ બનનાર દીકરી શાળામાં જતી હતી ત્યારે તેમને ફ્રેન્ડશીપ પ્રપોઝ કરી અને પોક્સો એક્ટ કલમ 12 મુજબ ના ગુનામાં પણ અદાલતે તકસીરવાન ઠરાવી સજા ફટકારેલ છે. હાલના કિસ્સામાં પણ ભોગ બનનાર ના સાસરે બોટાદ જઈ અને ધમકી આપવાનો ગુનો નોંધાયેલ છે.

ત્યારે જો અરજદારને જામીનનું રક્ષણ આપવામાં આવશે તો સમાજ ઉપર વિપરીત અસર પડશે.આ તમામ સંજોગો ધ્યાને લઈ અને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખએ નોંધ કરેલું હતું કે હાલના તબક્કે તપાસ કઈ રીતે કરવી તેની પોલીસને સુચના આપવાની જોગવાઈ નથી અને અરજદાર આરોપીને અગાઉ બે કેસમાં તકસીરવાન ઠરાવવામાં આવેલો હોય હાલ આગોતરા જામીનનું રક્ષણ આપી શકાય તેવું જણાતું ન હોય આગોતરા જામીન અરજી રદ કરેલી હતી.