- મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે અદાણીનું સત્ય સામે આવવું અને ભારત જોડો યાત્રાની સફળતાથી હતાશ થયેલો ભાજપ ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે.
રાંચી,
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ સોમવારે સવારે છત્તીસગઢમાં કોંગ્રેસના ૬ નેતાઓના ઘરે, ઓફિસમાં દરોડા પાડ્યા હતા. જેમાં ધારાસભ્યો અને પાર્ટી પદાધિકારીઓનો સમાવેશ થાય છે. કોલસા કૌભાંડમાં એજન્સીએ આ કાર્યવાહી કરી છે. છત્તીસગઢમાં ૪ દિવસ પછી એટલે કે ૨૪ ફેબ્રુઆરીએ કોંગ્રેસનું અધિવેશન યોજાવાનું છે. આમાં સોનિયા ગાંધી અને રાહુલ પણ આવશે. અધિવેશન આડે ચાર દિવસ બાકી છે ત્યાં જ ઈડીએ દરોડા પાડ્યા છે. કોંગ્રેસે કહ્યું કે આ કાર્યવાહી સંમેલનને ડિસ્ટર્બ કરવા માટે છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે ’છેલ્લા ૯ વર્ષમાં ઈડી દ્વારા પાડવામાં આવેલા ૯૫% દરોડા વિપક્ષી નેતાઓ વિરુદ્ધ છે અને મોટા ભાગના કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ છે. રાયપુરમાં કોંગ્રેસના સંમેલન પહેલાં મોદી સરકાર વતી ઈડીનો દુરુપયોગ કરીને છત્તીસગઢના કોંગ્રેસી નેતાઓ પર દરોડા એ ભાજપની કાયરતા દર્શાવે છે.
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે અદાણીનું સત્ય સામે આવવું અને ભારત જોડો યાત્રાની સફળતાથી હતાશ થયેલો ભાજપ યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે. પાર્ટી રાયપુરમાં ઈડી ઓફિસનો ઘેરાવ કરશે. ભૂપેશ બઘેલે સોમવારે ટ્વીટ કરીને ઈડીના દરોડા અંગે માહિતી આપી હતી. લખ્યું- ઈડીએ પ્રદેશ કોંગ્રેસના કોષાધ્યક્ષ, પૂર્વ ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય સહિત ઘણા સાથીદારોના ઘરો પર દરોડા પાડ્યા છે. ૪ દિવસ બાદ રાયપુરમાં કોંગ્રેસનું મહાઅઘિવેશન છે. આ રીતે તૈયારીમાં લાગેલા આપણા સાથીઓને રોકીને આપણા જુસ્સાને તોડવામાં આવી રહ્યો છે. ભારત જોડોની સફળતા અને અદાણીનું સત્ય બહાર આવવાથી ભાજપ હતાશ છે. યાન ભટકાવવાનો આ પ્રયાસ છે. અમે લડીશું અને જીતીશું.
પ્રદેશ કોંગ્રેસના કોષાધ્યક્ષ રામગોપાલ અગ્રવાલ, ભિલાઈના ધારાસભ્ય દેવેન્દ્ર યાદવ, પ્રદેશના પ્રવક્તા આરપી સિંહ, ભવન અને અન્ય કન્સ્ટ્રક્શન વર્કર્સ બોર્ડના પ્રમુખ સન્ની અગ્રવાલ અને વિનોદ તિવારી પર આ કાર્યવાહી ED એ કરી છે. તેમની સાથે સાથે રાયપુરના શ્રીરામ નગર, ડીડી નગર, ગીતાંજલિ નગર, મોવામાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઈડીએ ભિલાઈ નગરના ધારાસભ્ય દેવેન્દ્ર યાદવ અને તેમના ભાઈ ધર્મેન્દ્ર યાદવ પર દરોડા પાડ્યા હતા. એક દિવસ પહેલાં ધારાસભ્ય દેવેન્દ્રનો જન્મદિવસ હતો. ટીમોએ ભિલાઈ અને રાયપુરમાં દેવેન્દ્ર યાદવના સરકારી બંગલાઓ પર દરોડા પાડ્યા હતા.
તપાસનીશ એજન્સીએ જણાવ્યું કે, છતીસગઢમાં ટ્રાન્સપોર્ટ થનારા કોલસા પર ટન દીઠ ૨૫ રૂપિયાના ગેરકાયદે ઉઘરાણા થતા હતા. એમાં રાજનેતા, સરકારી ઓફિસર અને વેપાસી પણ સામેલ હતા. ઈડી અનુસાર, ૨૦૨૧માં ૫૦૦ કરોડનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો. ઓક્ટોબર ૨૦૨૨માં પણ ED એ આ કૌભાંડમાં ૪૦ જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ૪ કરોડ કેશ, કરોડોની સંપત્તિ અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.
આ કેસમાં એક આઇએએસ અને ૯ વેપારી જેલમાં છે. ૧૩ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ, છત્તીસગઢ ઈન્ફોટેક પ્રમોશન સોસાયટી-ચિપ્સના સીઈઓ સમીર વિશ્ર્નોઈ, કોલસાના વેપારી સુનીલ અગ્રવાલ અને વકીલ-વેપારી લક્ષ્મીકાંત તિવારીની ધરપકડ કરવામાં આવી હતી. ૨૯ ઓક્ટોબરે ઉદ્યોગપતિ સૂર્યકાંત તિવારીએ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. રાજ્ય સેવા અધિકારી સૌમ્યા ચૌરસિયાની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી બે ખનીજ અધિકારીઓ સહિત ૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.