છત્રપતિ શિવાજી મહારાજ ગુલામીની માનસિક્તાનો અંત લાવ્યા. :વડાપ્રધાન

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના ૩૫૦ વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને સંબોધિત કર્યા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજ ગુલામીની માનસિક્તાનો અંત લાવ્યા. શિવાજી મહારાજે હંમેશા ભારતની એક્તા અને અખંડિતતાને સર્વોપરી રાખી હતી. આજે શિવાજી મહારાજના વિચારોનું પ્રતિબિંબ એક ભારત શ્રેષ્ઠ ભારતની દ્રષ્ટિમાં જોઈ શકાય છે.

પોતાના ભાષણની શરૂઆત કરતા પીએમ મોદીએ કહ્યું, ’છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક દિવસ નવી ચેતના, નવી ઉર્જા લઈને આવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક એ સમયનો અદ્ભુત અને વિશેષ પ્રકરણ છે. રાષ્ટ્રીય કલ્યાણ અને જન કલ્યાણ તેમના શાસનના મૂળભૂત તત્વો રહ્યા છે. આજે હું છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં નમન કરું છું.

પીએમ મોદીએ કહ્યું કે તેમણે હંમેશા ભારતની એક્તા અને અખંડિતતાને સર્વોપરી રાખી છે. આજે શિવાજી મહારાજના વિચારોનું પ્રતિબિંબ ’એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના વિઝનમાં જોઈ શકાય છે. સો વર્ષની ગુલામીએ દેશવાસીઓ પાસેથી તેમનો વિશ્ર્વાસ છીનવી લીધો હતો, આવા સમયમાં લોકોમાં વિશ્ર્વાસ જગાડવો મુશ્કેલ કામ હતું. તે સમયગાળામાં, છત્રપતિ શિવાજી મહારાજે માત્ર આક્રમણકારો સામે લડ્યા જ નહીં, પરંતુ સ્વરાજ્ય શક્ય છે તેવી લોકોના મનમાં માન્યતા પણ સ્થાપિત કરી.

પીએમ મોદીએ કહ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજનું વ્યક્તિત્વ અદ્ભુત હતું. તેમણે સ્વરાજ પણ સ્થાપ્યું અને સુરાજ પણ સ્થાપ્યું. તેઓ તેમની બહાદુરી અને સુશાસન માટે પણ જાણીતા છે. તેમણે રાષ્ટ્ર નિર્માણનું વ્યાપક વિઝન પણ રજૂ કર્યું. તેમણે શાસનનું લોકકલ્યાણકારી પાત્ર લોકો સમક્ષ મૂક્યું.