રાયપુર,
છત્તીસગઢના બલૌદાબજારમાં ભીષણ માર્ગ દુર્ઘટના ઘટી છે. ટ્રક અને પિકઅપ વાન વચ્ચે અથડામણ થતા ૧૧ લોકોના મોત નીપજ્યા. ઘટનામાં ૧૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તમાં બે ની હાલત ગંભીર છે. મૃતક તમામ એક જ પરિવારના હતા અને પારિવારિક કાર્યના કારણે ખિલોરાથી અર્જુની ગામ આવ્યા હતા. મૃતકોમાં ૪ બાળકો પણ સામેલ છે. આ દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે દુ:ખ વ્યક્ત કર્યુ છે.
આ માર્ગ અકસ્માત બલૌદાબજાર-ભાટાપારા માર્ગ પર ખમરિયા વિસ્તારની છે. મળતી માહિતી અનુસાર બલૌદાબજારના ખિલોરાથી સાહૂ પરિવારના સભ્ય પિકઅપ વાનમાં સવાર થઈને અર્જુની ગયા હતા. મોડી રાતે પાછા ફરી રહ્યા હતા. રાતે લગભગ ૧૨ વાગે બલૌદાબજાર-ભાટાપારા માર્ગ પર ખમરિયામાં ડીપીડબ્લ્યુએસ સ્કુલ નજીક પિકઅપ વાન અને ટ્રકની સામ-સામે અથડામણ થઈ ગઈ. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને જિલ્લા હોસ્પિટલ અને આસપાસના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીરરીતે ઈજાગ્રસ્ત ૩ લોકોને રાયપુર રેફર કરાયા છે.