છત્તીસગઢ રાજ્ય સરકાર ગ્રામીણ આવાસ ન્યાય યોજના શરૂ કરશે, ગરીબોને આપશે રહેવાની સુવિધા

રાયપુર, છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે રાજ્યમાં ટૂંક સમયમાં ’ગ્રામીણ આવાસ ન્યાય યોજના’ શરૂ કરવામાં આવશે અને ગરીબોને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ યોજના માટે પૂરક બજેટમાં ૧૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની ’પ્રધાનમંત્રી આવાસ યોજના’ને ધ્યાનમાં રાખીને છત્તીસગઢ સરકારે આ યોજનાની શરૂઆત કરવાનું નક્કી કર્યું છે.

વિધાનસભામાં પૂરક બજેટની ચર્ચા દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું હતું કે, ’સામાજિક-આર્થિક સર્વેક્ષણ ૨૦૧૧ના આધારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાની પાત્રતા નક્કી કરવામાં આવી હતી જેથી જરૂરિયાતમંદ પરિવારોને મકાનો મંજૂર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ રાજ્ય સરકાર પહેલા તે મુશ્કેલીઓને દૂર કરી અને ત્યારબાદ રાજ્યમાં ગ્રામીણ આવાસ ન્યાય યોજના શરૂ કરશે. આ માટે બજેટમાં ૧૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી રહી છે.’

છત્તીસગઢ સરકારે ગ્રામીણ આવાસ ન્યાય યોજના શરૂ કરીને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના સામે વિકલ્પ ઊભો કર્યો છે. છત્તીસગઢમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રકમ ચૂકવી શકી નથી. આ કારણોસર કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ રાજ્યમાં એક વર્ષની ફાળવણી રદ કરી છે, જેના કારણે રાજ્યના લાખો ગરીબ લોકોના મકાનો હજુ સુધી બન્યા નથી.

રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના અમલીકરણમાં નબળાઈને રાજ્ય સરકાર સામે મોટો મુદ્દો બનાવ્યો હતો. રાજ્ય સરકારને ઘેરવા માટે ભાજપ દ્વારા ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ પાસેથી મકાનો માટે અરજીઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને તેમને વચન આપવામાં આવી રહ્યું હતું કે રાજ્યમાં ભાજપની સરકાર બન્યા બાદ ગરીબોને પાકાં મકાનો બનાવી આપવામાં આવશે.

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાને લઈને ભાજપના રાજ્ય એકમે રાજ્ય સરકારના મંત્રીઓ અને કોંગ્રેસના ધારાસભ્યોના આવાસનો ઘેરાવ કર્યો હતો અને રાજકીય વાતાવરણ સર્જવાનું શરૂ કર્યું હતું. ભાજપના દાવાઓને પોકળ સાબિત કરવા માટે બઘેલ સરકારે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક અને આર્થિક રીતે સર્વે કરાવ્યો અને તેના દ્વારા તમામ લાભાર્થીઓને આવાસ આપવાનું નક્કી કરવામાં આવ્યું. બઘેલ સરકારના આ દાવથી ભાજપ બેકફૂટ પર હોય તેમ લાગતું હતું. આ દરમ્યાન રાજ્ય સરકારે ગ્રામીણ આવાસ ન્યાય યોજનાની જાહેરાત કરી દીધી છે.