રાયપુર, રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે છત્તીસગઢમાં બિલાસપુર જિલ્લાની સરકારી શાળાના હેડમાસ્ટરે બાળકો સહિતના એક જૂથને હિંદુ ભગવાનોની પૂજા નહીં કરવાનો અને બુદ્ધ ધર્મ અપનાવવાના શપથ લેવડાવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસે રવિવારે ૬૦ વર્ષના રતાલાલ સરોવરની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે ૨૨ જાન્યુઆરીના રોજ બનેલી ઘટનામાં ભારારી ગામની સરકારી પ્રાથમિક શાળાના હેડમાસ્ટરે બાળકો સહિત લોકોના જૂથને એકત્ર કર્યું હતું. તેમની પાસે શિવ, રામ અને કૃષ્ણ સહિત હિંદુ ધર્મના ભગવાનોની પૂજા નહીં કરવાના અને બુદ્ધ ધર્મ અપનાવવાના શપથ લેવડાવ્યા હતા. પોલીસે એક સંગઠનના સભ્ય રુપેશ શુક્લની ફરિયાદના આધારે રતાલાલ સામે તપાસ શરૂ કરી હતી. જિલ્લાના શિક્ષણ અધિકારીએ રતાલાલને સસ્પેન્ડ કર્યા હતા. જ્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા પર રતાલાલ સરોવરનો વીડિયો વાઇરલ થયા પછી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, રતાલાલની હરક્તથી સનાતન ધર્મને માનતા લોકોની લાગણીને ઠેસ પહોંચી હતી. પોલીસે રતાલાલ પર ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૫૩એ (ધર્મના આધારે વિવિધ જૂથો વચ્ચે શત્રુતા ફેલાવવા અને સુમેળને ખોરવવા) અને ૨૯૫એ (કોઇ પણ વર્ગની ધામક ભાવના ઉશ્કેરવાના હેતુથી કરાયેલી હરક્ત) હેઠળ ગુનો નોંયો હતો.