છત્તીસગઢના નારાયણપુર-બીજાપુરમાં નક્સલવાદીઓ હુમલો, ૨૪ કલાકમાં ૮ના મોત

દંતેવાડા, છત્તીસગઢના નારાયણપુર-બીજાપુર અને દંતેવાડાના સરહદી વિસ્તારોમાં નક્સલવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં ૮ નક્સલવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટર ગઈકાલે એટલે કે ગુરુવારે શરૂ થયું હતું. દંતેવાડાના એસપી ગૌરવ રાયે જણાવ્યું કે નક્સલવાદીઓ પાસેથી આઠ હથિયારો અને મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં અલગ-અલગ એન્કાઉન્ટર માં ૧૦૦થી વધુ નક્સલવાદીઓ માર્યા ગયા છે.

એન્કાઉન્ટર માં આ ૮ નક્સલીઓના મોત બાદ છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈએ સુરક્ષા દળોના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે સરકાર નક્સલવાદ સામે જોરદાર લડાઈ લડી રહી છે. સાઈએ લખ્યું હતું ચોક્કસપણે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. હું તેની હિંમતને સલામ કરું છું. અમારી સરકાર નક્સલવાદ સામે મજબૂત લડાઈ લડી રહી છે. અમારો ઉદ્દેશ્ય રાજ્યમાંથી નક્સલવાદને ખતમ કરવાનો છે.

આ ઘટના સાથે, આ વર્ષે રાજ્યમાં સુરક્ષા દળો સાથેની જુદી જુદી અથડામણમાં ૧૧૦ થી વધુ નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ પહેલા ૧૦ મેના રોજ બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૧૨ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. તે જ સમયે, ૩૦ એપ્રિલના રોજ, નારાયણપુર અને કાંકેર જિલ્લાની સરહદ પર સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ મહિલાઓ સહિત ૧૦ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આ સિવાય ૧૬ એપ્રિલે કાંકેર જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ૨૯ નક્સલીઓને ઠાર કર્યા હતા.