રાયપુર, છત્તીસગઢમાં, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ ધારાસભ્ય અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રમણ સિંહને સર્વસંમતિથી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ સાથે મંગળવારે નવા ચૂંટાયેલા ગૃહનું પ્રથમ સત્ર શરૂ થયું હતું. સત્રના આજે પ્રથમ દિવસે એટલે કે મંગળવારે, પ્રોટેમ સ્પીકર રામવિચાર નેતામે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો અને ગોંડવાના ગણતંત્ર પાર્ટીના ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા.
મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાઈ, વિપક્ષના નેતા ચરણદાસ મહંતા, નાયબ મુખ્ય પ્રધાનો અરુણ સાઓ અને વિજય શર્મા, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો રમણ સિંહ અને ભૂપેશ બઘેલ એ ધારાસભ્યોમાં સામેલ હતા જેમને ’પ્રોટેમ સ્પીકર’ દ્વારા શપથ લેવડાવ્યા હતા. ધારાસભ્યોના શપથગ્રહણ બાદ છત્તીસગઢની છઠ્ઠી વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થઈ. મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાઈએ રમણ સિંહને વિધાનસભા અધ્યક્ષ તરીકે પસંદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને નાયબ મુખ્ય પ્રધાન અરુણ સાઓએ ટેકો આપ્યો હતો.
વિપક્ષના નેતા ચરણદાસ મહંતે પણ સિંહને વિધાનસભા અધ્યક્ષ તરીકે પસંદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ભૂપેશ બઘેલ દ્વારા ટેકો મળ્યો હતો. સિંહની તરફેણમાં ભાજપના સભ્યો દ્વારા વધુ ત્રણ ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા. સાત વખત ધારાસભ્ય રહી ચૂકેલા રમણ સિંહે ૨૦૦૮, ૨૦૧૩, ૨૦૧૮ અને ૨૦૨૩માં રાજનાંદગાંવ સીટ પર સતત ચાર વખત જીત મેળવી છે. ૧૯૯૯ માં, તેઓ એકવાર લોક્સભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને અટલ બિહારી વાજપેયી સરકારમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી તરીકે નિયુક્ત થયા હતા.
તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં, સિંહે કોંગ્રેસના ગિરીશ દેવાંગનને ૪૫,૦૮૪ મતોના માજનથી હરાવ્યા હતા. સિંહને છત્તીસગઢને વિકાસના માર્ગ પર લઈ જવાનો શ્રેય જાય છે. તેમણે તેમની ૧૫ વર્ષની લાંબી રાજકીય કારકિર્દી (૨૦૦૩ થી ૨૦૧૮) દરમિયાન એક સક્ષમ પ્રશાસક તરીકેની પ્રતિષ્ઠા મેળવી છે. ગયા મહિને ભાજપે મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કર્યા વિના રાજ્યમાં વિધાનસભા ચૂંટણી લડી હતી.
ચૂંટણીમાં જીત બાદ સિંહને મુખ્યમંત્રી પદના દાવેદાર માનવામાં આવતા હતા, પરંતુ પાર્ટીએ રાજ્યની કમાન વરિષ્ઠ આદિવાસી નેતા વિષ્ણુદેવ સાંઈને સોંપી હતી. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપ ૯૦ માંથી ૫૪ બેઠકો જીતીને પાંચ વર્ષના અંતરાલ પછી રાજ્યમાં સત્તામાં પરત ફર્યું છે, જ્યારે કોંગ્રેસ, જેણે ૨૦૧૮ માં ૬૮ બેઠકો જીતી હતી તે ઘટીને ૩૫ બેઠકો પર આવી ગઈ છે. ગોંડવાના ગણતંત્ર પાર્ટી એક બેઠક જીતવામાં સફળ રહી છે.