છાતીમાં દુ:ખાવો થતા હોસ્પિટલને બદલે માતાજીના મઢે લઈ ગયા, યુવતીનું મોત

રાજકોટ,

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ખૂબ જ પાતળી રેખા છે અને ઘણીવાર માણસ ક્યારે અંધશ્રદ્ધા તરફ ધકેલાઈ જાય છે તેનો તેને ખ્યાલ જ નથી રહેતો. આપણે આસપાસ આવી અંધશ્રદ્ધાની ઘણી ઘટનાઓ જોઈ હશે અથવા તેના વિશે સાંભળ્યું હશે. ત્યારે આપણને એવો પ્રશ્ર્ન થાય છે કે શું આજના આ આધુનિક યુગમાં પણ લોકો આવી અંધશ્રદ્ધાઓમાં માનતા હશે? તમને જાણીને નવાઈ લાગશે કે આજના આ કહેવાતા આધુનિક યુગમાં પણ અનેક લોકો અંધશ્રદ્ધાની જાળમાં ફસાયેલા છે. આજના આ આધુનિક યુગમાં આવી જ વધુ એક અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે. આ ઘટના રાજકોટમાં સામે આવી છે, જ્યાં એક ૨૦ વર્ષીય યુવતીએ અંધશ્રદ્ધા અને સારવારના અભાવના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

એક ૨૦ વર્ષીય યુવતીને છાતીમાં દુ:ખાવો થતા તેને હોસ્પિટલ લઈ જવાને બદલે તેના ઘરના સભ્યો તેને માતાજીના મઢે લઈ ગયા હતા, બાદમાં આ યુવતીનું સારવારના અભાવમાં મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. રિપોર્ટ અનુસાર, રાજકોટ શહેરના જામનગર રોડ પર સ્થિત શિવ શક્તિ સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ બીજાણીયાની ૨૦ વર્ષીય દીકરી લક્ષ્મીને ઘણા સમયથી છાતીમાં દુ:ખાવો થઈ રહ્યો હતો. આ દુ:ખાવાના કારણે તે ગુમસુમ રહેતી હતી. સોમવારે તેને ઉલ્ટી પણ થઈ હતી. આથી, લક્ષ્મીની માતાએ તેના પપ્પાને ફોન કરીને બોલાવ્યા. બાદમાં તેના માતા-પિતા તેને વાંકાનેર પાસે આવેલા પ્રાંસ ગામે માતાજીના મઢે દીકરીના સાજા થવાની આશાએ લઈ ગયા હતા.

રિપોર્ટ અનુસાર, લક્ષ્મીના પિતા ગોપાલભાઈ બજાણીયાએ જણાવ્યું હતું કે, માતાજીના મઢે દર્શન કર્યા બાદ દીકરીને સારું થઈ ગયુ હતું. તેણે રાત્રે ઘરે આવીને ભોજન પણ કર્યું હતું. પરંતુ, રાત્રે અચાનક બે વાગ્યે ફરી એકવખત તકલીફ થતા તેને ૧૦૮ મારફત રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેણીનું મોત થયુ હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા, પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને લક્ષ્મીના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે. મોતનું કારણ જાણવા મૃતદેહનું પીએમ પણ કરાવવામાં આવ્યું છે. મોતના કારણ અંગે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણકારી મળશે.

ગોપાલભાઈ બજાણીયા પાનનો ગલ્લો ચલાવે છે. તેમને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. લક્ષ્મી ચારેય સંતાનોમાં સૌથી મોટી હતી. આ ઘટનામાં જો લક્ષ્મીને સમયસર સારવાર મળી હોત તો કદાચ તે આજે જીવતી હોત.