રાજકોટ, રાજકોટ-કાલાવડ રોડ પર છાપરા ગામ નજીક રોંગ સાઈડમાં કાળ બની આવેલી ટ્રાવેલ્સ બસે બાઇકને હડફેટે લેટ બે પિતરાઈ યુવાનોના મોત થયા હતા. રવિવારે વહેલી સવારે બનેલા આ બનાવમાં મેટોડા પોલીસે ચાલકની ધરપકડ કરી છે. પાતા મેઘપર ગામે રહેતા પિયુષ સોમાભાઈ હાડા (ઉ.વ.૩૫) અને યશવંત હરેશભાઇ હાડા (ઉ.વ.૨૩) બંને બાઈક પર પોતાના ઘરેથી મેટોડા કારખાને જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.બંને મૃતક અપરણિત હતા.એક જ કુટુંબના બે આશાસ્પદ યુવાનોના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો છે. જ્યારે નાના એવા ગામમાં ગમગીની છવાઈ છે.
બનાવની વિગત મુજબ, બંને મૃતક પાતા મેઘપર ગામના વતની હતા. પરિવાર સાથે રહેતા હતા અને અપરણિત હતા. બંને કૌટુંબિક ભાઈ થતા હતા. ઉપરાંત બંને સાથે જ મેટોડાના કારખાનામાં નોકરી કરતા હતા. ગઈકાલે રવિવારે વહેલી સવારે બંને એક બાઈક પર પાતા મેઘપરથી મેટોડા જવા નીકળ્યા હતા. સવારે ૮ વાગ્યા આસપાસ રાજકોટ – કાલાવડ રોડ પર છાપરા ગામ નજીક પહોંચતા રોંગ સાઈડમાંથી પુરપાટ ઝડપે આવતી વ્રજ ટ્રાવેલ્સ લખેલી બસે બંનેને બાઈક સહિત હડફેટે લઈ ફંગોળતા બંને યુવાન રોડ પર પટકાયા હતા.
તેઓને ગંભીર ઇજા થઇ હતી. બંનેને તત્કાલ ૧૦૮ એબ્યુલન્સ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અત્રે સારવાર મળે તે પહેલાં જ પિયુષને મૃત જાહેર કરાયો હતો જ્યારે યશવંતે ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવના પગલે મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના પીએસઆઇ કે.એ. ગોહિલની રાહબરીમાં પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. બંનેના પરિવારજનોને જાણ કરાતા સિવિલ હોસ્પિટલમાં સ્વજનો દોડી આવેલા. પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યા હતા.
પરિવારજનો તરફથી મળતી વિગત મુજબ પિયુષ ૨ ભાઈ અને ૩ બહેનમાં નાનો હતો. જ્યારે યશવંત ૧ ભાઈ અને ૧ બહેનમાં નાનો હતો. પોલીસે જીજે ૧૧ વીવી ૨૨૪૪ નંબરની વ્રજરાજ લખેલ બસના ચાલકને અટકાયતમાં લઈ ગુનો દાખલ કર્યો હતો. એક સાથે બે યુવાનની અંતિમ યાત્રા નીકળતા ગામ આખું હિબકે ચડ્યું હતું અને ગમગીની છવાઈ હતી.અકસ્માતમાં મોતને ભેટેલા યશવંતના પિતાનું નામ હરેશભાઈ છે. હરેશભાઇને સંતાનમાં ૧ દીકરી અને ૧ દીકરો હતો. યશવંત હરેશભાઇનો એકનો એક પુત્ર હતો. હરેશભાઇની મોટી દીકરીનું ચાર વર્ષ પહેલાં પેટમાં કમળી ગાંઠ હોવાથી બીમારી સબબ મોત થયું હતું. જે બાદ હવે યુવાન પુત્ર યશવંતને ઈશ્ર્વરે છીનવી લીધો. આમ, વર્ષના ગાળામાં કુદરતે હરેશભાઈના બંને સંતાનો છીનવી લેતા પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો હતો.
પરિવારજનોએ આપેલી વિગત મુજબ, પિયુષ અને યશવંત બંને મેટોડા કારખાનામાં નોકરી કરતા. અગાઉ સમય ફેરફાર હોવાથી પહેલા બંને જુદી – જુદી બાઇકમાં અપડાઉન કરતા હતા. જોકે છેલ્લા ૧૫ દિવસથી એક જ બાઇકમાં મેટોડા જતા – આવતા હતા.