છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાંની ચૂંટણીમાં ૨૨૩ ઉમેદવારો

રાયપુર, છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કાનું મતદાન ૭મી નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન ૧૭મી નવેમ્બરે થશે. પ્રથમ તબક્કા માટે કુલ ૨૨૩ ઉમેદવારો ૨૦ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. આ ઉમેદવારો મતદારોની વચ્ચે જશે. આ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે કુલ ૩૦ ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે.

મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, સૌથી વધુ ૬ ઉમેદવારોએ રાજનાંદગાંવ વિધાનસભા મતવિસ્તારમાંથી તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચ્યા છે. પ્રથમ તબક્કાની વિધાનસભા મતવિસ્તારોમાં ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ કુલ ૨૫૩ ઉમેદવારોના નામાંકન પત્રો માન્ય જણાયા હતા. જેમાંથી ૩૦ લોકોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ચૂંટણી માટે કુલ ૨૯૪ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

પ્રથમ તબક્કાની ૨૦ વિધાનસભા સીટ પર કુલ મતદાતાઓની સંખ્યા ૪૦ લાખ ૭૮ હજાર ૬૮૧ છે, જેમાં ૧૯ લાખ ૯૩ હજાર ૯૩૭ પુરૂષો અને ૨૦ લાખ ૮૪ હજાર ૬૭૫ મહિલાઓ મતદાન કરશે. આ સાથે ૬૯ ત્રીજા લિંગના મતદારોનો સમાવેશ થાય છે. આ વિધાનસભા ક્ષેત્રો માટે કુલ ૫ હજાર ૩૦૪ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. પ્રથમ તબક્કાની વિધાનસભા બેઠકો માટે મતદાનની તારીખ ૭ નવેમ્બર છે અને મતગણતરી તારીખ ૩ ડિસેમ્બર છે.

ચૂંટણીના પ્રથમ તબક્કામાં આ વિધાનસભાઓમાં ઉમેદવારોની સંખ્યા અંતાગઢ વિધાનસભા ક્ષેત્રમાં ૧૩ ઉમેદવારો,ભાનુપ્રતાપપુરમાં ૧૪ ઉમેદવારો, કાંકેરમાં ૯ ઉમેદવારો, કેશકલમાં ૧૦ ઉમેદવારો, કોંડાગાંવમાં ૮ ઉમેદવારો, નારાયણપુરમાં ૯ ઉમેદવારો, બસ્તરમાં ૮ ઉમેદવારો, જગદલપુરમાં ૧૧ ઉમેદવારો,ચિત્રકોટમાં ૭ ઉમેદવારો,દાંતેવાડામાં ૭ ઉમેદવારો,બીજાપુરમાં ૮ ઉમેદવારો,કોન્ટામાં ૮ ઉમેદવારો,ખૈરાગઢમાં ૧૧ ઉમેદવારો,ડોંગરગઢમાં ૧૦ ઉમેદવારો,રાજનાંદગાંવમાં ૨૯ ઉમેદવારો, ડોંગરગાંવમાં ૧૨ ઉમેદવારો,ખુજ્જીમાં ૧૦ ઉમેદવારો,મોહલા-માનપુરમાં ૯ ઉમેદવારો,કવર્ધામાં ૧૬ ઉમેદવારો,પંડારિયામાં ૧૪ ઉમેદવારો છે.