ચટગાંવ,
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચોની સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ આજથી ચટગાંવના ઝહૂર અહમદ ચૌધરી સ્ટેડિયમમાં શરૂ થઈ છે. રિષભ પંતની આક્રમક ઈનિંગ બાદ ચેતેશ્ર્વર પૂજારા અને શ્રેયસ અય્યરની અડધી સદીની મદદથી ભારતે પ્રથમ દિવસના અંતે ૬ વિકેટે ૨૭૮ રન બનાવી લીધા છે. પ્રથમ દિવસની સમાપ્તિ પહેલા અક્ષર પટેલ આઉટ થયો હતો. શ્રેયસ અય્યર ૧૬૯ બોલમાં ૮૨ રન બનાવી અણનમ છે.
ભારતીય ટીમ દિવસના શરૂઆતી સત્રમાં ૨૦ ઓવરમાં ૪૮ રન બનાવી સંઘર્ષ કરી રહી હતી પરંતુ ત્યારબાદ પંતે ૪૫ બોલની ઈનિંગમાં છ ચોગ્ગા અને બે સિક્સ ફટકારી ૪૬ રન બનાવ્યા. બીજા છેડે તેને પુજારાનો સાથ મળ્યો હતો અને બંનેએ ૬૪ રનની ભાગીદારી કરી ભારતની મેચમાં વાપસી કરાવી હતી. ત્યારબાદ પુજારા અને શ્રેયસ અય્યર વચ્ચે પાંચમી વિકેટ માટે ૧૪૯ રનની ભાગીદારી થઈ હતી. ચેતેશ્ર્વર પુજારા ૯૦ રન બનાવી આઉટ થયો હતો.
સ્પિનરોને મદદરૂપ પિચ પર બંને ટીમ બે ફાસ્ટ બોલરો અને ત્રણ સ્પિનરો સાથે ઉતરી છે. કેએલ રાહુલની આગેવાનીવાળી ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટન રાહુલ (૨૨), શુભમન ગિલ (૨૦) અને વિરાટ કોહલી (૧) સસ્તામાં આઉટ થયો હતો. લેગ સ્પિનર તૈજુલ ઇસ્લામે ગિલ અને કોલહીને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. ત્યારબાદ રિષભ પંતે એક શાનદાર ઈનિંગ રમી હતી. પંત માત્ર ૪૫ બોલમાં ૪૬ રનની આક્રમક ઈનિંગ રમીને આઉટ થયો હતો. પંતે પોતાની ઈનિંગ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં ૫૦ સિક્સ ફટકારવાની સિદ્ધિ પણ મેળવી હતી. પંત સૌથી ઓછી ઈનિંગમાં ટેસ્ટ ક્રિકેટમાં ૫૦ સિક્સ ફટકારનાર ખેલાડી બની ગયો છે.