ચેન્નઈને જીત અપાવનાર રવીન્દ્ર જાડેજા ભાજપ કાર્યર્ક્તા છે: તમિલનાડુ ભાજપના વડા

ચેન્નઈ, : ભારતીય જનતા પાર્ટીના તમિલનાડુના અધ્યક્ષ કે અન્નામલાઈએ મંગળવારે દાવો કર્યો કે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભાજપ કાર્યર્ક્તા છે. તેમણે કહ્યું કે ક્રિકેટર અને ભાજપ કાર્યર્ક્તા રવિન્દ્ર જાડેજાએ સોમવારે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ ફાઈનલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) ને જીત અપાવી.

એક ટીવી ચેનલ સાથે વાત કરતા અન્નમલાઈએ કહ્યુ- ક્રિકેટર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ગુજરાતમાં જામનગરથી ભાજપના ધારાસભ્ય છે. તે એક ગુજરાતી છે. તે ભાજપ કાર્યર્ક્તા જાડેજાએ ચેન્નઈને જીત અપાવી અને વિજયી રન બનાવ્યા. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં તમિલનાડુનો એકપણ ખેલાડી રમ્યો નહીં. પરંતુ અમે ધોનીને કારણે ઉજવણી કરીએ છીએ. ભાજપ નેતા તમિલનાડુની સત્તાધારી ડીએમકેના એક કથિત સંદેશનો જવાબ આપી રહ્યાં હતા, જેમાં સ્ટાલિનની પાર્ટીએ કહ્યુ હતું કે સીએસકેની જીત- ગુજરાત મોડલ પર દ્રવિડ મોડલની જીત હતી.

અન્નમલાઈએ આ દરમિયાન ગુજરાત ટાઈટન્સના બેટર સાઈં સુદર્શનની પણ પ્રશંસા કરી, જે તમિલનાડુનો રહેવાસી છે. સાઈંએ ફાઈનલ મેચમાં શાનદાર ઈનિંગ રમી હતી. તેમણે કહ્યું- સીએસકેની તુલનામાં જીટી ટીમમાં વધુ તમિલ લોકો હતા. ગુજરાતની ટીમમાં સૌથી વધુ રન બનાવનાર સાઈં સુદર્શન તમિલનાડુનો છે. હું તેનો પણ જશ્ર્ન મનાવીશ.

નોંધનીય છે કે જાડેજા જાહેરમાં ભાજપનું સમર્થન કરી ચુક્યો છે. પરંતુ તે સ્પષ્ટ રીતે કહી શકાય નહીં કે ભારતીય ક્રિકેટર ભાજપનો સભ્ય છે. જાડેજાના પત્ની રિવાબા જાડેજા, જામનગર ઉત્તર વિધાનસભા સીટથી ભાજપના ધારાસભ્ય છે. રિવાબા ૨૦૧૯માં ભાજપમાં સામેલ થયા હતા. તેમણે ૨૦૨૨માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ૮૦ હજાર કરતા વધુ મતથી જીત મેળવી હતી.