
ચેન્નાઇ,
તામિલનાડુ અને કર્ણાટકમાં બે માર્ગ અકસ્માતમાં આજે આઠ લોકોના કરુણ મોત થયા છે. ચેન્નઈ નજીક બુધવારે એક કન્ટેનર ટ્રક સાથે વાન અથડાઈ હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા અને ચાર લોકો ઘાયલ થયા હતા. સીએમ એમકે સ્ટાલિને દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. બીજી તરફ કર્ણાટકના કાલબુર્ગીમાં એક કાર પાછળથી એક કન્ટેનર સાથે અથડાઈ હતી. જેના કારણે કારમાં સવાર બે લોકોના મોત નિપજ્યા હતા.
તમિલનાડુના સીએમ સ્ટાલિને દરેક મૃતકના આશ્રિતોને એક-એક લાખની સહાયની જાહેરાત કરી છે. દુર્ઘટના વિશે માહિતી મળતાં, સ્ટાલિને સ્જીસ્ઈ મંત્રી અન્બરાસનને સ્થળ પર દોડી જવા અને પીડિતોને તમામ સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ ઘાયલોને સારી સારવાર આપવાના આદેશ આપ્યા છે. સ્ટાલિને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
તમિલનાડુમાં આ અકસ્માત આજે સવારે ચેંગલપેટ જિલ્લામાં થયો હતો. વાનમાં સવાર મુસાફરો તિરુવન્નામલાઈથી ચેન્નાઈ પરત ફરી રહ્યા હતા. ચાર ઘાયલોને સરકારી મેડિકલ કોલેજ, ચેંગલપેટમાં સારવાર આપવામાં આવી રહી છે. વાનમાં સવાર તમામ લોકો ચેન્નાઈના ઉપનગર પોઝીચલુરના રહેવાસી છે.
બીજી તરફ, કર્ણાટકના કાલબુર્ગી જિલ્લાના સોન્ના ક્રોસ નજીક એક ઝડપી કાર એક કન્ટેનર ટ્રક સાથે પાછળથી અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા બે લોકોના મોત થયા હતા. મૃતકોની ઓળખ સિંદગી પોલીસ સ્ટેશનના સર્કલ ઈન્સ્પેક્ટર રવિ અને તેમની પત્ની મધુ તરીકે થઈ છે. નેલોગી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.