ગોધરા,રોજબરોજના નાણાકીય વ્યવહારોમાં સમાજમાં ચેકની વિશ્ર્વસનીયતા માં લોકોને ભરોસો રહે તે માટે કોર્ટો દ્વારા પણ ચેક રિટર્ન થવાના કેસોમાં ગુનેગારો સામે લાલ આંખ કરવામાં આવી રહેલી છે. ગોધરા કોર્ટ દ્વારા ચેક રિટર્નના કેસોના ગુનેગારોમાં દાખલો બેસે તેવો મહત્વનો હુકમ કરવામાં આવેલ છે.
વિગતવાર મળેલી માહિતી મુજબ ફરિયાદી પરાગ વાસુદેવ ઉદવાણી નાઓની હરિ ઓમ પ્રોવીઝન નામથી આવેલ પાવર હાઉસ ગોધરા ખાતેની દુકાન પર થી આરોપી રાહુલ ઈન્દ્રકુમાર જાગાણી રહેવાસી-24 અંકુર સોસાયટી 3. બામરોલી રોડ ગોધરા નાએ કુલ રૂપિયા 6,44,433/નું અનાજ કરિયાણા અને અને પાન-મસાલાનું માલ ઉધાર પર ખરીદ કરેલ તે રકમની ફરિયાદીએ ઉઘરાણી કરતા તે રકમની પરત ચુકવણી પેટે આરોપીએ ફરિયાદીને પોતાની બેંક ઓફ બરોડા બેન્ક ગોધરાનો રૂપિયા 6,44,433/ નો ચેક લખી આપેલ હતો, પરંતુ તે ચેક ફરિયાદીએ પોતાની બેંક મારફતે ક્લિયરિંગમાં મોકલતા બેલેન્સ ન હોવાના કારણસર ચેક પરત કરેલ. તેથી કાયદેસરની નોટિસ આપવા છતાં આરોપીએ ફરિયાદીને ચેકની રકમ ચુકેવેલી નહિ. તેથી ફરિયાદીએ ગોધરા કોર્ટમાં ચેક રિટર્ન ગુનાની ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ ગોધરા કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં રજુ થયેલ પુરાવાઓ અને ફરિયાદી તરફે એડવોકેટ અશોક સામતાણીની દલીલોને ધ્યાનમાં લઈને ગોધરાના બીજા જયુ. મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ પ્રૃથૂ શર્મા એ આરોપીને ચેક રિટર્ન થવાના ગુનામાં કસુરવાન ઠરાવીને આરોપીને ત્રણ મહિના કેદની સજા ભોગવવાનું અને ફરિયાદીને રૂપિયા 6 લાખ 44 હજાર 433 રૂપિયા વળતર અને જો વળતર રકમ ન ભરે તો વધુ 3 મહિનાની સજાનો દાખલો બેસાડતો હુકમ કરેલ છે. જજમેન્ટના દિવસે આરોપી કોર્ટમાં ગેર હાજર હોવાથી કોર્ટે આરોપીનું સજાનું ધરપકડ વોરંટ જિલ્લા પોલીસવડા દ્વારા બજવણી કરવા હુકમ કરેલ છે.