ચંદ્રયાન-2ના લોન્ચિંગના 3 વર્ષ, 11 મહિના અને 23 દિવસ પછી ભારતે શુક્રવારે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું. તેને બાહુબલી રોકેટ LVM3-M4 દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2.35 કલાકે અવકાશમાં મોકલવામાં આવ્યું છે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ અન્ય વૈજ્ઞાનિકો સાથે મિશન કંટ્રોલ રૂમમાં છે.
ચંદ્રયાન-3 અવકાશયાનમાં ત્રણ લેન્ડર/રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. લગભગ 40 દિવસ પછી એટલે કે 23 કે 24 ઓગસ્ટે લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે. આ બંને 14 દિવસ સુધી ચંદ્ર પર પ્રયોગ કરશે, જ્યારે પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતાં રેડિયેશનનો અભ્યાસ કરશે. મિશન દ્વારા, ISRO એ શોધી કાઢશે કે ચંદ્રની સપાટી કેટલી સિસ્મિક છે, માટી અને ધૂળનો અભ્યાસ કરવામાં આવશે.
ભારત આવું કરનાર ચોથો દેશ બની જશે
જો આ મિશન સફળ થશે તો ભારત આવું કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બની જશે. અમેરિકા અને રશિયા બંને ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતર્યા તે પહેલા ઘણા અવકાશયાન ક્રેશ થયા હતા. 2013માં ચાંગ ઈ-3 મિશન સાથેના પ્રથમ પ્રયાસમાં સફળ થનાર ચીન એકમાત્ર દેશ છે.