કુતિયાણાના ચૌટા ચેકપોસ્ટ ખાતેથી બાતમીના આધારે કુતિયાણા પોલીસે 20 હજાર લીટરનું બાયોડીઝલનું એક ટેન્કર ઝડપી પાડ્યું હતું. કુતિયાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.બી.દેસાઈ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકતના આધારે કુતિયાણાના ચૌટા ચેકપોસ્ટ ખાતેથી એક ટેન્કરમાં કોઇ આધાર-પુરાવા કે સત્તાધીશ અધિકારીની સ્ટોરેજ વાહન પરમીટ કે કોઈ એક્સપ્લોઝીવ પેટ્રોલીયમને લગતુ લાયસન્સ મેળવ્યા વગર કે ફાયર અને સેફ્ટીના સાધનો રાખ્યા વગર ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પેટ્રોલીયમ વાસ ધરાવતા ઇંધણ 20 હજાર લીટર જેની કિંમત રુપિયા 12 લાખ સાથે મળી આવતા આરોપીઓ સામે આવશ્યક ચીજવસ્તુ ધારા અધિનિયમની વિવિધ કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલમાં 20 હજાર લીટર બાયોડીઝલ જેની કિંમત રૂપિયા 12 લાખ તથા અશોક લેલન ટેન્કર રજી.નં. GJ-03-AW 4294 જેની કિંમત રૂપિયા 10 લાખ તથા સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-01 કિંમત રૂપિયા 5000 મળી કુલ 22 લાખ 5 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
કુતિયાણા પોલીસે આરોપી (1) સુરેશ હીરા ડાંગર ઉ.વ.46,રહે.વિનાયક નગર શેરી નં.20,રાજકોટ તથા ૫કડવના બાકી ઇસમો (1) સંજય ઉર્ફે લાલા કાના અવાળીયા રહે.મોવડી પ્લોટ રાજકોટ (2) દેવા ઓડેદરા રહે.પોરબંદરવાળા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.