ચારે તરફ માત્ર અને માત્ર તબાહીના દ્રશ્યો ! અત્યાર સુધીમાં ૪૦૦૦ના મોત નિપજયાં

  • તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆને કહ્યું, ભૂકંપના વિસ્તારમાં ઘણી ઇમારતોના કાટમાળને હટાવવાનું કામ ચાલી રહ્યું છે.

ગાઝિયાંટેપ,

દક્ષિણ-પૂર્વીય તુર્કી અને ઉત્તર સીરિયાના કેટલાક શહેરો સોમવારે વહેલી સવારે તીવ્ર ભૂકંપની ઝપટમાં આવ્યા હતા, જેના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને મોટી સંખ્યામાં જાન-માલનું નુક્સાન થયું હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૮ માપવામાં આવી હતી. આ ભૂકંપ એટલો તીવ્ર હતો કે લોકોને કંઈપણ વિચારવાનો અને સમજવાનો મોકો મળ્યો ન હતો. આ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ૩૮૦૦થી વધુ લોકોના મોત થયા છે. એવી આશંકા છે કે આ વિનાશમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા હજુ પણ વધી શકે છે.

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆને કહ્યું, “ભૂકંપના વિસ્તારમાં ઘણી ઇમારતોના કાટમાળને હટાવવાનું કામ ચાલી રહ્યું છે, અમને ખબર નથી કે મૃતકો અને ઘાયલોની સંખ્યા કેટલી વધશે.” અમે અમારી દેશ પરત્વેની એક્તા સાથે તેને પાછળ છોડી દઈશું.’ ભૂકંપનું કેન્દ્ર તુર્કીનો દક્ષિણપૂર્વીય પ્રાંત કહરામનમારસ હતો અને કૈરો જેટલા દૂર સુધી આંચકા અનુભવાયા હતા. દમાસ્ક્સમાં પણ ભૂકંપના કારણે લોકોને રસ્તા પર બહાર આવવું પડ્યું હતું અને બેરૂતમાં પણ જ્યારે ભૂકંપના આંચકા અનુભવાયા ત્યારે લોકો સૂઈ ગયા હતા.

આ ભયાનક ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને ૩૮૦૦થી વધુ થઈ ગઈ છે. જેમાં તુર્કીમાં ૧૬૫૧ અને સીરિયામાં ૧૦૬૦ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. હાલમાં મૃત્યુઆંક વધી શકે છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ ટીમ કાટમાળમાંથી લોકોને બહાર કાઢવામાં લાગેલી છે. અત્યાર સુધીના સમાચારો અનુસાર તુર્કીમાં જ ૧૧૦૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે.

તુર્કીના ગૃહપ્રધાન સુલેમાન સોયલુએ જણાવ્યું હતું કે ભૂકંપથી તુર્કીના ૧૦ શહેરો પ્રભાવિત થયા છે, જેમાં કહરામનમારસ, હટાય, ગાઝિયાંટેપ, ઓસ્માનિયા, અદિયામાન, માલત્યા, સનલિઉર્ફા, અદાના, દિયારબાકીર, કિલિસનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે દેશની શોધ અને બચાવ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે અને “હાઈ એલર્ટ” પર છે. બીજી તરફ સીરિયામાં દેશના પશ્ર્ચિમ કિનારે લતાકિયાથી રાજધાની દમાસ્ક્સ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભયાનક વિનાશ બાદ તુર્કીના રાષ્ટ્રપતિએ ૭ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.

સીરિયા અને તુર્કીમાં આવેલા ભીષણ ભૂકંપ બાદ ભારત સહિત વિશ્ર્વના ઘણા દેશોએ મદદની ઓફર કરી છે.ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે દેશની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને હવામાનના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દિવસોમાં તુર્કીમાં બરફનું તોફાન આવવાની સંભાવના છે. જેના કારણે અહીં સતત હિમવર્ષા થઈ રહી છે. હાલમાં ૩ થી ૫ સેમી હિમવર્ષા થઈ શકે છે. આવનારા દિવસોમાં તે વધુ મુશ્કેલ બની શકે છે. ૫૦ થી ૧૦૦ સેમી સુધી બરફ પડવાની સંભાવના છે.

ભૂકંપના કારણે ગાઝિયાંટેપની પહાડી પર સ્થિત ઐતિહાસિક કિલ્લાને નુક્સાન પહોંચ્યું છે. કિલ્લાની દિવાલ અને ઘડિયાળના સ્તંભોને ભારે નુક્સાન થયું છે. તે જ સમયે, ભૂકંપએ ઉત્તર-પશ્ર્ચિમ સીરિયાના કબજા હેઠળના ઇદલિબ પ્રાંતમાં એક નવું સંકટ ઉભું કર્યું, જે પહેલાથી જ ઘણા વર્ષોથી રશિયન અને સરકારી હવાઈ હુમલાનો ભોગ બની રહ્યું છે. આ પ્રદેશ ખોરાકથી લઈને તબીબી પુરવઠા સુધીની દરેક વસ્તુ માટે તુર્કી પર નિર્ભર છે. તમામ રાહત સામગ્રી તુર્કી થઈને ઈદલિબ પહોંચે છે.

તુર્કીમાં લોકો ભૂકંપગ્રસ્ત વિસ્તારો છોડવા માંગે છે, જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે અને ઈમરજન્સી ટીમોને અકસ્માતના સ્થળો પર પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અધિકારીઓએ લોકોને રસ્તા પર ન આવવાની અપીલ કરી છે. આ વિસ્તારમાં તાપમાન શૂન્યની નજીક હોવાથી જેમના ઘરોને નુક્સાન થયું છે તેમના માટે આ વિસ્તારમાં મસ્જિદો ખોલવામાં આવી છે.