
અમદાવાદ, લોકગાયિકા કિંજલ દવેનું ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ વાળું ગીત જ્યારથી હિટ થયું છે ત્યારથી કૉપીરાઇટ કેસમાં સપડાયું છે. સમગ્ર મામલો કોર્ટ ચડયો હતો. જેમાં આજે લોકગાયિકા કિંજલ દવેને ગીત અને શબ્દો વાપરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.કિંજલ દવેએ કોર્ટમાં માફી માંગી હતી પણ કોર્ટે માફી ન સ્વીકારતા ૭ દિવસમાં ૧ લાખ દંડ ચૂકવવાનો આદેશ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦ ડિસેમ્બર ૨૦૧૬થી આરડીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું જે ખૂબ જ લોકપ્રિય થયું હતું. જાન્યુઆરી ૨૦૧૭માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે એવો દાવો કર્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના કાતક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર ૨૦૧૫માં કરી હતી. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો. એટલે કે કાતક પટેલ કિંજલ દવેએ કોપીરાઇટ કરેલા આ ગીતના માલિક ગણાય.
કાતક પટેલે તેના વકીલ મારફતે કોમશયલ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ કોર્ટે કિંજલ દવેને જાહેર કાર્યક્રમોમાં ચાર બંગડીવાળી ગાડી લઈ દઉ ગીત ગાવા પર મનાઈ ફરમાવી હતી. જેની સામે કિંજલ દવેએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. અને ગુજરાત હાઈકોર્ટે કિંજલ દવેની અરજી ગ્રાહ્ય રાખી છે. ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૯માં કિંજલ દવેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો કિંજલ દવે જાહેર કાર્યક્રમોમાં ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ ગીત ગાવાની છુટ્ટી આપી હતી.