ચંદ્રયાન-૩ની સફળતા બાદ ઈસરોએ હવે રીટર્ન મૂન મિશનની તૈયારી શરૂ કરી

નવીદિલ્હી,ચંદ્રયાન-૩ની સફળતા બાદ ઈસરોએ હવે રીટર્ન મૂન મિશનની તૈયારી શરૂ કરી દીધી છે, જે અંતર્ગત પ્રથમ વખત ચંદ્રમાંથી સેમ્પલ દેશમાં લાવવામાં આવશે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે ગયા વર્ષે ચંદ્રયાન-૩ મિશનની સફળતા બાદ ઈસરો દેશના અવકાશ કાર્યક્રમમાં આગલી છલાંગ લગાવવા માટે તૈયાર છે. આ માટે દેશની સ્પેસ એજન્સી રીટર્ન લૂનર મિશન પર કામ કરી રહી છે, જેના દ્વારા પ્રથમ વખત ચંદ્ર પરથી સેમ્પલ પરત લાવવામાં આવશે. સોમનાથે કહ્યું કે આ મિશન ૨૦૨૭ અથવા ૨૦૨૮ સુધીમાં ઉડાન ભરે તેવી અપેક્ષા છે.

ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ કહે છે, “અમે હાલમાં પરત ફરવાના ચંદ્ર મિશન પર યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, જે ૨૦૨૭ અથવા ૨૦૨૮ સુધીમાં આકાર લઈ શકે છે.” તેમને કહ્યું કે આ મિશનની ટેક્નોલોજીનું પરીક્ષણ ચંદ્રયાન-૩ મિશન દરમિયાન કરવામાં આવ્યું હતું, જેમાં હોપ પ્રયોગનો પણ સમાવેશ થાય છે, જ્યાં લેન્ડર વિક્રમને પુન:સંચાલિત કરવામાં આવ્યું હતું અને પ્રારંભિક લેન્ડિંગ સ્થાનથી અલગ સ્થાન પર લેન્ડ કરવામાં આવ્યું હતું.

તે જ સમયે, તેમને કહ્યું કે અવકાશયાનનું પ્રોપલ્શન મોડ્યુલ પણ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત ફર્યું છે, જે આ પરત મિશનમાં તેની ક્ષમતાઓને સ્પષ્ટ રીતે સાબિત કરે છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ૨૩ ઓગસ્ટના રોજ ભારતીય અંતરિક્ષ એજન્સીએ ચંદ્રયાન-૩ અવકાશયાનને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે સફળતાપૂર્વક લેન્ડ કરીને ઇતિહાસ રચ્યો હતો. તમને જણાવી દઈએ કે આ એક એવી સિદ્ધિ હતી, જેને અત્યાર સુધી દુનિયાનો કોઈ દેશ હાંસલ કરવામાં નિષ્ફળ ગયો નથી.

ઈસરોના આ રીટર્ન મૂન મિશન વિશે વધુ માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ એકત્રિત કરવાનો છે, ચંદ્રની ભ્રમણકક્ષામાં ડોકીંગ અને અનડૉક કરવાની ક્ષમતા દર્શાવવાનો છે, સેમ્પલને એક મોડ્યુલમાંથી બીજા મોડ્યુલમાં ટ્રાન્સફર કરવાનો છે. એ સુનિશ્ચિત કરવાનું છે કે મોડ્યુલ સુરક્ષિત રીતે પૃથ્વી પર ફરીથી પ્રવેશ કરે છે અને એકત્રિત નમૂનાઓ પહોંચાડે છે.

અધિકારીઓએ જણાવ્યું કે આ વખતે મિશનમાં પાંચ મોડ્યુલ પણ હશે  પ્રોપલ્શન મોડ્યુલ, ડીસેન્ડર મોડ્યુલ, એસેન્ડર મોડ્યુલ, ટ્રાન્સફર મોડ્યુલ અને રી-એન્ટ્રી મોડ્યુલ, જે આ મિશનને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.