- નગરના અગ્રણીઓ દ્વારા પણ અશોક મુનિયાનું સન્માન કરવામાં આવ્યું.
ઝાલોદ, નગરની મ.ચુ.કોઠારી સ્કૂલમાં પાંચ થી સાત અને બી.એમ.હાઈસ્કૂલમાં આઠ થી દસ સુધીનો અભ્યાસ કરનાર તેમજ ચંદ્રયાન-3 ની સફળતાના ટીમ વર્કમાં ભાગ ભજવનાર અશોક મુનિયાનું સન્માન કરાયું.
ઝાલોદ નગરથી આસરે ચાર થી પાંચ કિલોમીટર દૂર ગરાડું મુકામના વતની તેમજ ગરાડું ગામમાં પ્રાથમિક 1 થી ચાર સુધીનું શિક્ષણ મેળવનાર અશોક પરસોતમ મુનિયા જેમણે ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગમાં મહત્વનો ભાગ ભજવેલ હતો. તેમજ તેમણે ઇસરો સાથે સારા ટીમવર્ક સાથે જોડાઈ દેશનું, નગરનું, સમાજનું નામ રોશન કરેલ હતું. અશોક મુનિયા ચંદ્રયાન-3 ની સફળતા સાથે જોડાયેલ હોવાના સમાચાર મળતાં તેમના ગામમાં અભિનંદન આપવા લોકો ઉમટી પડેલ હતા અને સહુ ગામ અને નગરના લોકો પોતાના ગામના નાગરિક એવા અશોક મુનિયા પર ગર્વ અનુભવ કરતા હતા.
ઝાલોદ નગરની કેળવણી મંડળ સંચાલિત શાળા દ્વારા અશોક મુનિયાને સન્માન કરવા આમંત્રણ આપ્યું હતું. અશોક મુનિયા 5 થી 7 મ.ચુ.કોઠારી શાળામાં અને 8 થી 10 બી.એમ.હાઇસ્કૂલમા અભ્યાસ કરેલ હતો તેથી શાળાનું આમંત્રણ મળતા જૂની યાદો વાગોળવા તેમજ તેમના સ્કૂલ સમયના શિક્ષકોની મુલાકાત લેવા આવી પહોંચેલ હતા. કેળવણી મંડળ તેમજ સ્કૂલના સહુ શિક્ષકગણ દ્વારા તેમનું શાલ તેમજ પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત શિક્ષકો દ્વારા નગરની સ્કૂલ માંથી ભણી ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગ જેવી મહત્વ પૂર્ણ ભૂમિકામાં ભાગ ભજવનાર અશોક મુનિયા પર ગર્વ કરી શબ્દો રૂપી તેમનું સન્માન કરેલ હતું.
ચંદ્રયાન -3 સાથે જોડાયેલ અશોક મુનિયા જેવા સ્કૂલમાં આવ્યા ત્યારે તેમણે તેમની સાદગીનો પરિચય આપતાં તેમના ગુરૂના પગે લાગી આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ અશોક મુનિયાએ પણ શબ્દો દ્વારા ચંદ્રયાન-3 વિશે ટૂંકમાં સુંદર માહિતી આપી હતી. અશોક મુનિયા ત્યારબાદ પોતાની સ્કૂલમાં ક્લાસ રૂમમાં ભણતા વિદ્યાર્થીઓને પણ મળ્યા હતા અને વિદ્યાર્થીઓને ખૂબ ભણે અને પોતાની મહેનતથી આગળ વધે તે વિશે વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
અશોક મુનીયાને તેમના સ્કૂલ સમયના મિત્ર અને સ્કૂલના ટીચર અનુપ પટેલ મળી જતાં તેમને ગળે ભેટી પડ્યા હતા. નગરના લોકોને પણ અશોક મુનિયા સ્કૂલમાં આવેલ છે તેવી જાણ થતાં તેમનું સ્વાગત કરવા ઉમટી પડેલ હતા. ઝાલોદ તાલુકાને ગર્વ અપાવનાર અશોક મુનિયા પર દરેક નગરવાસીઓ ગર્વ અનુભવ કરતા હતા.