- સીઆઇડી તરફથી જવાબ ન મળતા આજે સુનાવણી થઈ નહીં
TDP ચીફ ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારે સ્થાનિક કોર્ટમાં જામીન માટે બે અરજી દાખલ કરી છે. જેમાંથી એક વચગાળાની અને એક રેગ્યુલર જામીન અરજી છે. વચગાળાની અરજીમાં, નાયડુએ તેમના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા, અને દાવો કર્યો હતો કે તેમની વિરુદ્ધ રેકોર્ડ પર કોઈ નક્કર પુરાવા નથી.
નાયડુની કાનૂની ટીમના વકીલ જી સુબ્બા રાવે જણાવ્યું હતું કે, CIDએ હજુ સુધી તેમની જામીન અરજી પર કોઈ જવાબ ફાઈલ કર્યો નથી. તેથી આજે (શુક્રવારે) સુનાવણી થઈ શકી નહીં. જો કે, CIDને નોટિસ મોકલવામાં આવી છે.
ચંદ્રબાબુ નાયડુની ધરપકડ પછી અત્યાર સુધીની ટાઈમલાઈન
સપ્ટેમ્બર 9: પૂર્વ CM નાયડુની CID દ્વારા રૂ. 371 કરોડના સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડમાં ધરપકડ કરાઈ હતી.
સપ્ટેમ્બર 10: ચંદ્રબાબુ નાયડુને વિજયવાડામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. ત્યારબાદ કોર્ટે તેને 23 સપ્ટેમ્બર સુધી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.
સપ્ટેમ્બર 11: સીએમ ચંદ્રબાબુ નાયડુની ધરપકડ અને ન્યાયિક કસ્ટડી સામે ચિત્તૂરમાં ટીડીપી કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. તે જ દિવસે પોલીસે ચિત્તૂર જિલ્લામાં TDP એમએલસી કંચેરલા શ્રીકાંત સહિત પાર્ટીના ઘણા નેતાઓની અટકાયત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
12 સપ્ટેમ્બર: TDPએ રાજ્યભરમાં બંધનું એલાન આપ્યું છે. આંધ્રપ્રદેશ પોલીસે મંગળવારે સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરી દીધી છે.
13 સપ્ટેમ્બર: ચંદ્રબાબુના વકીલોએ આંધ્ર હાઈકોર્ટમાં બે અરજી કરી. આ સાંભળીને હાઈકોર્ટે એસીબી કોર્ટની કાર્યવાહી પર વચગાળાનો સ્ટે મુક્યો હતો. નાયડુની 18 સપ્ટેમ્બર સુધી અટકાયત ન કરવાનો આદેશ આપ્યો છે.
સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડ શું છે?
- વર્ષ 2016માં તત્કાલિન CM ચંદ્રબાબુ નાયડુએ બેરોજગાર યુવાનોને સ્કિલ ટ્રેનિંગ આપવા માટે આંધ્ર પ્રદેશ રાજ્ય કૌશલ્ય વિકાસ નિગમ (APSSDC) ની સ્થાપના કરી હતી.
- TDP સરકારે APSSDCના રૂ. 3,300 કરોડના પ્રોજેક્ટ માટે જૂથ કંપનીઓ સિમેન્સ ઇન્ડસ્ટ્રી સોફ્ટવેર ઇન્ડિયા લિમિટેડ અને ડિઝાઇન ટેક સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે એક MoU પર હસ્તાક્ષર કર્યા હતા.
- આ કરાર હેઠળ, સિમેન્સ ઇન્ડસ્ટ્રી સોફ્ટવેર ઇન્ડિયા રૂ. 3,300 કરોડના ખર્ચે સ્કિલ ડેવલપમેન્ટ માટે 6 એક્સિલેંસ સેન્ટર સ્થાપવાના હતા.
- રાજ્ય સરકારે પ્રોજેક્ટના કુલ ખર્ચના 10 ટકા ચૂકવવાના હતા, જ્યારે બાકીની રકમ સિમેન્સ અને ડિઝાઇન ટેકને સહાય તરીકે આપવાની હતી.
CIDને તેની તપાસમાં જાણવા મળ્યું કે આ પ્રોજેક્ટને રાજ્ય કેબિનેટની મંજૂરી નથી. આમ છતાં ટેન્ડર વગર પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. MoU હેઠળ, સિમેન્સ કંપની પોતાના વતી પ્રોજેક્ટમાં રોકાણ કરવાની હતી. જો કે, કંપનીએ પોતાનું કોઈ રોકાણ કર્યું નથી.
તેનાથી વિપરીત, રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ રૂ. 371 કરોડ વિવિધ શેલ કંપનીઓ – એલાઈડ કોમ્પ્યુટર્સ, સ્કિલર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, નોલેજ પોડિયમ, કેડન્સ પાર્ટનર્સ અને ETA ગ્રીન્સમાં વહેંચવામાં આવ્યા હતા. આ માટે નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા.
CIDએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે વર્ષ 2018માં એન્ટી કરપ્શન બ્યુરોને આ કૌભાંડ અંગે ફરિયાદ મળી હતી. જો કે, સત્તામાં રહેલા લોકોએ તપાસને રોકવાનો પ્રયાસ કર્યો અને રાજ્ય સચિવાલયમાંથી મહત્વપૂર્ણ દસ્તાવેજો દૂર કર્યા. વર્તમાન સરકારની તપાસ પહેલા જીએસટી ઈન્ટેલિજન્સ વિંગ અને આઈટી વિભાગ પણ આ કૌભાંડની તપાસ કરી રહ્યા હતા.
નાયડુની ધરપકડ બાદથી તેમના સમર્થકો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આવા જ એક કાર્યકર્તાએ 12 સપ્ટેમ્બરે વિશાખાપટ્ટનમની ફ્લાઈટની અંદર વિરોધ કર્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં અદારી કિશોર નામનો વ્યક્તિ પ્લેનની અંદર ‘સેવ ડેમોક્રેસી’ બેનર લઈને ઊભો છે. આંધ્રપ્રદેશ પોલીસે તેની એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી.