- ચંદ્રબાબુ નાયડુએ એફઆઇઆર અને રિમાન્ડના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો.
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે હાલમાં કૌશલ્ય વિકાસ કૌભાંડ કેસમાં આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઉલ્લેખિત યાદીમાં તેને સામેલ કરીને મંગળવારે ફરી માંગણી કરવામાં આવે. ચંદ્રાબાબુ નાયડુ વતી હાજર થયેલા સિદ્ધાર્થ લુથરાએ સુપ્રીમ કોર્ટ પાસે વહેલી સુનાવણીની માંગ કરી હતી. આના પર સીજેઆઇ ડીવાય ચંદ્રચુડે કહ્યું, પહેલા તેને રજિસ્ટ્રાર પાસેથી ઉલ્લેખિત સૂચિમાં સામેલ કરો અને પછી મંગળવારે વહેલી સુનાવણીની માંગ કરો.
કૌભાંડના આરોપમાં ધરપકડ કરાયેલા આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના વડા એન ચંદ્રબાબુ નાયડુએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે કૌશલ્ય વિકાસ કૌભાંડ કેસમાં તેમની સામે નોંધાયેલી એફઆઈઆર અને રિમાન્ડના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે. નાયડુએ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ અરજી દાખલ કરી છે.
આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે શુક્રવારે એફઆઈઆર અને રિમાન્ડ ઓર્ડરને રદ કરવાની તેમની અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટે કૌશલ્ય વિકાસ કૌભાંડમાં આંધ્ર પ્રદેશ સીઆઇડી દ્વારા નાયડુ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR ને રદ કરવાની અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટના આ નિર્ણયને પડકારતાં ચંદ્રબાબુ નાયડુના વકીલોએ શનિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સીઆઇડીએ હાઈકોર્ટમાં કહ્યું કે, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૭ ચંદ્રબાબુ પર લાગુ થાય છે. પરંતુ નાયડુની અરજીમાં એસીબી કોર્ટ દ્વારા જારી કરાયેલા રિમાન્ડ રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે.
ચંદ્રબાબુ નાયડુની ૮ સપ્ટેમ્બરે કૌશલ્ય વિકાસ નિગમના ભંડોળનો દુરુપયોગ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જેના કારણે સરકારી તિજોરીને કથિત રીતે ૩૦૦ કરોડ રૂપિયાનું નુક્સાન થયું છે. નાયડુ હાલમાં રાજમહેન્દ્રવરમ સેન્ટ્રલ જેલમાં બંધ છે. અગાઉ આંધ્ર પ્રદેશ પોલીસ સીઆઇડી અધિકારીઓની એક ટીમે ટીડીપી વડા એન ચંદ્રબાબુ નાયડુની કૌશલ્ય વિકાસ નિગમ કૌભાંડ કેસમાં સેન્ટ્રલ જેલમાં પૂછપરછ કરી હતી. પૂર્વ મુખ્યમંત્રીના સમય, સ્વાસ્થ્ય અને ઉંમરની તંગીને ધ્યાનમાં રાખીને કોર્ટે નાયડુની જેલ પરિસરમાં જ પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી.
આંધ્રપ્રદેશ પોલીસના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટની ટીમે રવિવારે રાજામહેન્દ્રવરમ સેન્ટ્રલ જેલમાં ચંદ્રબાબુ નાયડુની બે દિવસની પૂછપરછ પૂર્ણ કરી. કોર્ટ દ્વારા તેને કસ્ટડીમાં મોકલ્યા બાદ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. કોર્ટના આદેશો મુજબ, નાયડુની બે દિવસ (૨૩ અને ૨૪ સપ્ટેમ્બર) સવારે ૯.૩૦ થી સાંજના ૫ વાગ્યા સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન, તેને નિયમિત રીતે પાંચ મિનિટનો ’બ્રેક’ આપવામાં આવ્યો, જેથી તે પોતાના વકીલનો સંપર્ક કરી શકે. તે ૫ ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં છે.