ચંદ્રબાબુ નાયડુ અમિત શાહને મળ્યા; ૬ વર્ષ પહેલા ગઠબંધન તૂટી ગયું હતું

2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાના જૂના સાથી પક્ષોને NDAમાં જોડવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. નીતિશ કુમારની JDU બાદ ઓડિશામાં બીજેડી સાથે ભાજપની વાતચીત કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટી (TDP) પણ NDAમાં જોડાઈ શકે છે.

ગૃહ મંત્રી અમિત શાહ અને TDP સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુ ગઠબંધન મામલે ગુરુવારે દિલ્હીમાં મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બેઠકમાં આંધ્ર પ્રદેશમાં યોજાનારી લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં આંધ્ર પ્રદેશના જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણ પણ હાજર હતા.

અહેવાલ મુજબ આજે દિલ્હીમાં ભાજપ અને ટીડીપી નેતાઓ વચ્ચે ગઠબંધન પર ચર્ચા થવાની છે. ગઠબંધનની સત્તાવાર જાહેરાત પણ 2-3 દિવસમાં થઈ શકે છે. 2019 સુધી, ટીડીપી ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધન NDAના સૌથી મહત્વપૂર્ણ ઘટક દળોમાંનું એક હતું.

અહેવાલ મુજબ બંને પક્ષો વચ્ચે બેઠક વહેંચણીને લઈને ચર્ચા ચાલી રહી છે. આંધ્ર પ્રદેશમાં લોકસભાની 25 અને વિધાનસભાની 175 બેઠકો છે. ભાજપ 8-10 લોકસભા સીટો પર ઉમેદવારો ઉભા રાખવા માંગે છે. પરંતુ જો પવન કલ્યાણની જનસેના પાર્ટી પણ એનડીએમાં જોડાય તો ભાજપ 5-6 બેઠકો પોતાના પક્ષમાં લઈ શકે છે.

JSP પહેલા જ TDP સાથે ગઠબંધન કરી ચૂકી છે. TDPએ તેમને લોકસભાની ત્રણ અને વિધાનસભાની 24 બેઠકો આપી છે. ભાજપ વાઈઝેગ, વિજયવાડા, અરાકુ, રાજામપેટ, રાજમુન્દ્રી, તિરુપતિ જેવી મહત્વપૂર્ણ બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે.

TDPએ 2019ની ચૂંટણી પહેલા NDA ગઠબંધનમાંથી પોતાનો છેડો ફાડ્યો હતો. આંધ્રપ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો ન મળવાથી નારાજ ચંદ્રબાબુ નાયડુએ મોદી સરકારમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ગઠબંધનમાંથી પોતાનું નામ પાછું ખેંચતી વખતે તેમણે કહ્યું હતું કે અમારો નિર્ણય એકદમ સાચો છે. કેન્દ્ર સરકારે આંધ્રને આપેલા વચનો પૂરા કર્યા નથી. અમે બજેટ સત્રની શરૂઆતથી જ સંસદમાં અમારી માંગણીઓ સાથે વિરોધ કરી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.

તેમણે વધુમાં કહ્યું કે, ટીડીપી અને આંધ્ર સરકારે 4 વર્ષ સુધી ધીરજ રાખી. મેં દરેક રીતે કેન્દ્ર સરકારને સમજાવવાનો પ્રયાસ કર્યો. આ માટે સીનિયર નેતાઓને મળ્યા. હાલમાં મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો પણ પ્રયાસ કર્યો હતો, જેથી હું તેમને મારા નિર્ણય વિશે જણાવી શકું. પરંતુ કેન્દ્ર કંઈ સાંભળવાના મૂડમાં નથી. મને ખબર નથી કે અમે કઈ ભૂલ કરી છે, તેઓ (કેન્દ્ર) આવી વાતો કેમ કરી રહ્યા છે?

ચંદ્રબાબુ નાયડુ જૂનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. ત્યારથી, 2024ની લોકસભા ચૂંટણી પહેલા TDPની NDAમાં વાપસીની અટકળોએ જોર પકડ્યું હતું.