વોશિગ્ટન, ભારતના અવકાશ વૈજ્ઞાનિકોનો ડંકો આખી દુનિયામાં વાગી રહ્યો છે. સ્પેસ શ્રેત્રમાં ભારના વૈજ્ઞાનિકોએ શાનદાર કામ કર્યું છે. અને આનું ઉત્તમ ઉદાહરણ ચંદ્રયાન-૩ની ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ છે.
ભારતના આ કાર્યની પ્રશંસા સમગ્ર દુનિયામાં થઈ રહી છે. આ પ્રકરણમાં હવે ભારતની ચંદ્રયાન-૩ મિશન ટીમને અવકાશ સંશોધન માટે પ્રતિષ્ઠિત વર્ષ-૨૦૨૪ જોન એલ જેક સ્વિગર્ટ જુનિયર પુરસ્કાર મળ્યું છે.કોલોરાડોમાં વાષક સ્પેસ સિમ્પોસિયમના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન હ્યુસ્ટનમાં ભારતના કોન્સલ જનરલ ડીસી મંજુનાથને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) વતી એવોર્ડ મળ્યો હતો. તે યુએસ સ્થિત સ્પેસ ફાઉન્ડેશનનો ટોચનો એવોર્ડ છે.
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર સૌપ્રથમ તરીકે ઇસરોનું મિશન ચંદ્રયાન ૩ માનવતાની અવકાશ સંશોધન આકાંક્ષાઓને સમજણ અને સહયોગ માટે નવા ક્ષેત્રો સુધી વિસ્તરે છે, સ્પેસ ફાઉન્ડેશને એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. સ્પેસ ફાઉન્ડેશનના સીઈઓ હીથર પ્રિંગલે જાન્યુઆરીમાં એવોર્ડની જાહેરાત કરવામાં આવી ત્યારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અવકાશમાં ભારતનું નેતૃત્વ વિશ્ર્વ માટે એક પ્રેરણા છે. સંશોધનનું સ્તર ફરીથી વધારવામાં આવ્યું છે. તેમનું અદ્ભુત મૂન લેન્ડિંગ આપણા બધા માટે એક નમૂનો છે. અભિનંદન અને તમે આગળ શું કરશો તે જોવા માટે અમે રાહ જોઈ શક્તા નથી!
ભારતે ગત વર્ષે ઓગસ્ટમાં મિશન ચંદ્રયાન-૩ હેઠળ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સફળતાથી સોફ્ટ લેન્ડિંગ કરી ઈતિહાસ રચી દીધો હતો અને ચંદ્રના આ ક્ષેત્ર પર ઉતરનાર દુનિયાનો એકમાત્ર દેશ બની ગયો હતો. ભારતની પહેલા ચંદ્રના દક્ષિણના ધુવ્ર પર કોઈ દેશ ત્યાં પહોંચ્યો નહોતો.