ચંદ્રબાબુ નાયડુ એનડીએ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા, ગઠબંધન તેમને મુખ્યમંત્રી બનાવવા સંમત

આંધ્રપ્રદેશમાં સરકાર બનાવવાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. મંગળવારે ટીડીપી અને એનડીએએ ચંદ્રબાબુ નાયડુને તેમના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટ્યા. ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ ટીડીપી, ભાજપ અને જનસેના ગઠબંધનના નેતાઓ રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરને મળ્યા હતાં અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો ચંદ્રબાબુ નાયડુ આવતીકાલે મુખ્યમંત્રી પદના સોગંદ લેશે તેમની સાથે અન્ય ઘણા નેતાઓ પણ શપથ લઈ શકે છે.

આંધ્રપ્રદેશમાં ૧૨ જૂને નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપી શકે છે. દરમિયાન, જનસેના પાર્ટીએ પક્ષના વડા પવન કલ્યાણને તેના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા છે. પવન કલ્યાણ મંગળવારે સવારે મંગલગિરીમાં પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા, જ્યાં જનસેના પાર્ટીના ધારાસભ્યોએ તેમને તેમના નેતા તરીકે ચૂંટ્યા.

ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની તેલુગુ દેશમ પાર્ટી આંધ્રપ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની ૧૭૫માંથી ૧૩૫ બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. પવન કલ્યાણની જનસેના પાર્ટીએ ૨૧ બેઠકો જીતી છે અને ભાજપે પણ આઠ બેઠકો જીતી છે. જગનમોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆરસીપી માત્ર ૧૧ સીટો પર જ ઘટી છે. આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ટીડીપી, જનસેના અને ભાજપે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી.

વિજયવાડામાં એનડીએ ગઠબંધનના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાડુ, જનસેનાના વડા પવન કલ્યાણ અને આંધ્ર પ્રદેશ ભાજપના અધ્યક્ષ દગ્ગુબતી પુરુેંશ્ર્વરી સહિત તમામ એનડીએ ધારાસભ્યોએ બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં જનસેનાના વડા પવન કલ્યાણે એનડીએ વતી સીએમ પદ માટે ચંદ્રાબાબુ નાયડુના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું.ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુ કહ્યું હતું કે ’ભાજપ, જનસેના અને ટીડીપીના તમામ ધારાસભ્યોએ મને આંધ્રપ્રદેશની એનડીએ સરકારના આગામી મુખ્યમંત્રી બનવા માટે તેમની સંમતિ આપી દીધી છે.’