ચાંદીપુરા વાયરસથી રાજ્યમાં સ્થિતિ ગંભીર, ૧૩૦ કેસ, મૃત્યુઆંક ૫૩ એ પહોચ્યો

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. પ્રતિદિન ચાંદીપુરા કેસોની સંખ્યા વધવા સાથે મોતના આંકડામાં પણ વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ચાંદીપુરા વાયરસથી વધુ અમદાવાદના મોટેરા વિસ્તારના એક બાળકનું મોત થયું. આ બાળક તેના પરીવાર સાથે મોટેરા વિસ્તારમાં વેલજીભાઈના રબારીવાસમાં રહેતું હતું. બાળકના મોત મામલે જ્યારે હકીક્તની તપાસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી.

હાલમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત થયાનો કિસ્સો સામે આવ્યો. આ બાળક જે જગ્યા પર રહેતો હતો તેની તપાસ કરવામાં આવી તો હકીક્ત સામે આવી કે રબારી વારસની આસપાસ ખૂબ ગંદકી ફેલાયેલી હતી. મોટેરા વિસ્તારમાં આવેલ રબારી વાસમાં અંદાજે ૫૦થી વધુ નાની ઓરડીઓ છે. અમદાવાદમાં ગત અઠવાડિયે પડેલ વરસાદ બાદ ત્યાં કીચડ થયો હતો. વરસાદી પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ થયો હતો.આ સ્થાન પર સાંકડી જગ્યામાં પરિવાર સાથે રહેતા લોકો ખૂબ ખરાબ સ્થિતિમાં રહે છે. પાણીનો ભરાવો અને આવા સ્થાન પરથી તેઓ અવર-જવર કરે છે.

મહત્વનું છે કે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના પગપેસારા બાદ તંત્ર એલર્ટ થતા દવાનો છંટકાવ કરવામાં આવતો હોવાનો દાવો કરાય છે. પરંતુ મોટેરાના રબારી વાસની સ્થિતિ કોર્પોરેશનના દાવા પોકળ હોવાનું સાબિત કરે છે. રબારી વાસના સ્થાનિકોએ કહ્યું કે અંહી પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની દવાનો છંટકાવ કરાયો નથી. કોઈ અહીં સાફ-સફાઈ કરવા પણ આવતું નથી. ચાંદીપુરા વાયરસમાં ભારે તાવ,માથાનો દુખાવો, ખેંચ આવવી , ઊલટી થવી, બેભાન થવું અને ઝાડા થવા જેવા લક્ષણો જોવા મળે છે. આમાંથી કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક સારવાર કરાવી.