રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે. શરૂઆતમાં આ વાઇરસની અસર ફક્ત ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી, પંરતુ હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા મોટા શહેરોને પણ આ વાઇરસે પોતાની ઝપેટમાં લીધા છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ચાંદીપુરા વાઇરસથી 43 બાળકોએ જીવ ગુમાવવા પડ્યા છે. સરકાર પાસેથી મળેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસે 118 દર્દીઓને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. જેમાંથી 43 દર્દીઓએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આવો જાણીએ ભાસ્કરના ચાંદીપુરા વાઇરસ અંગેના આ ખાસ અહેવાલમાં નાનકડા એવા ગામથી શરૂ થયેલા આ વાઇરસે ક્યાં ક્યાં હાહાકાર મચાવ્યો છે અને કેટલા પરિવાર ઉઝાડ્યા છે અને કોણ હજી પણ આ વાઇરસને લઈ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે, જ્યારે સરકાર અને પુણેની ટીમ વાઇરસને ફેલાતો અટકાવવા શું કામગીરી કરી રહી છે.
પુનાની ટીમ આજે ત્રીજા દિવસે પણ ગોધરામાં:મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામે શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસથી મોત ભેટેલા બાળકના પરિવારને મળી ઘરેથી સેમ્પલો લીધા
ગુજરાત સહિત પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાઈરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામે આવેલા ડાયરા ફળિયામાં એક દોઢ વર્ષનો બાળક શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસને લઈને મોતને ભેટ્યો હતો. ત્યારે આજે પણ પરિવારના સભ્યો સહિત નાની બહેન બાળકને યાદ કરી આંસુ વહાવે છે. બહેન કહી રહી છે કે, ક્યારે આવશે મારો ભયલો અમે કહી યાદ કરી રહી છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામે આવેલા ઉબડખાબડ અને ચારે બાજુ જંગલ વિસ્તારમાંથી ડાયરા ફળિયામાં પહોંચી હતી.
મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામે પહોંચી ત્યારે દોઢ વર્ષીય સચિન સાનતસિંહ બારીયાની માતાએ જણાવ્યું હતું કે, 16મી જુલાઈ બરાબર રાતના બે વાગ્યે સચિન અચાનક ઊંઘમાંથી ઊઠી ગયો, જેથી મેં તેને ધાવણ ધવડાવ્યું હતું. જો કે અચાનક સચિને પોતાની માતાનું ધાવણ દાંત વડે દબાવી દેતાં તેની માતાએ તાત્કાલિક બંને હાથ વડે મોઢું ખોલી ધાવણ બહાર કાઢી લીધું હતું. જે બાદ અચાનક સચિન બેભાન થયો હતો અને કંઈપણ બોલતો ન હતો. એના કારણે માતા ચિંતિત થઈ ગઈ હતી. સચિનને તાત્કાલિક મોરવા હડફ દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો.
સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરમ વાઈરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં અલગ-અલગ તાલુકાઓમાં કુલ 15 જેટલા શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કેસ નોંધાયા હતા, જેમાંથી પાંચ બાળકનાં મોત થયાં હતાં. એને લઈને આજે પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીની ટીમ પંચમહાલ પહોંચી હતી. બે સાયન્ટિસ્ટ અને બે ટેક્નિકલ સ્ટાફની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી સેન્ડફ્લાય સહિત જીવજંતુઓનાં સેમ્પલ લઈ રિપોર્ટ તૈયાર કરશે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી પુણેથી બે સાયન્ટિસ્ટ અને બે ટેક્નિકલી સ્ટાફ મળી કુલ ચારની ટીમ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલની વિઝિટ કર્યા બાદ સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફ સાથે બેઠક યોજી હતી અને કઈ રીતે ચાંદીપુરા વાઈરસના કેસ બન્યા એની હિસ્ટ્રી મેળવી હતી.
ગોધરા સિવિલ બાદ પંચમહાલના જે ગામમાં પહેલો કેસ નોંધાયો હતો. તેવા કોટડા ગામની મુલાકાત લીધી હતી. આ મામલે જે પરિવારની બાળકીનું મોત થયું હતું તેમના પરિવારના સભ્યોના લોહીના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. તેમજ પશુઓનાં પણ સેમ્પલ લીધાં હતાં. NIV ટીમે વધુમાં આ મામલે આસપાસનાં ઘરોમાં ઉંદર પકડવાનાં પાંજરાં મૂક્યાં હતાં. તેમાં પકડાયેલા ઉંદરના લોહીના પણ સેમ્પલ લીધાં હતાં. ત્યાર બાદ ઘોઘંબા તાલુકાના ઝીંઝરી ગામની પણ મુલાકાત લીધી હતી. આ સાથે સેન્ડ ફ્લાય માખીનાં પણ સેમ્પલો લેવાની કામગીરી ટીમ દ્વારા કરવામાં આવી હતી.
ગોધરા તાલુકાના કોટડા ખાતે સેમ્પલ લેવાની કાર્યવાહી કર્યા બાદ પુણાની આ ટીમ ઘોઘંબા તાલુકામાં આવેલા ઝીંઝરી ગામે એક 11 માસની બાળકી શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસને લઈને મોતને ભેટી હતી. ત્યાં પુણાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાઇરોલોજિસ્ટની ટીમે પહોંચી પરિવારના સભ્યો સાથે સાથે આજુબાજુમાં જે પણ પડોશીઓ છે તેમનાં સેમ્પલો કલેક્ટ કર્યા હતાં. અંદાજે 200 જેટલી સેન્ડફ્લાયને આજુબાજુમાંથી કલેક્ટ કરીને પરીક્ષણ માટે પુણા ખાતે મોકલવામાં આવી હતી.