ચંડીગઢ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચંદીગઢના મેયરની ચૂંટણીને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર અરજદારને તાત્કાલિક કોઈ રાહત આપવાનો ઈક્ધાર કરી દીધો છે.આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મેયર પદના દાવેદાર કુલદીપ કુમારની અરજી પર હાઈકોર્ટે ચંદીગઢ પ્રશાસન અને અન્ય પ્રતિવાદીઓને નોટિસ જારી કરીને તેમનો જવાબ માંગ્યો છે.
બુધવારે અરજી પર સુનાવણી શરૂ થતાં જ અરજદાર પક્ષે કહ્યું હતું કે મતગણતરી દરમિયાન પ્રિસાઇડિંગ ઓફિસરે જે રીતે ચૂંટણીમાં ગોટાળો કર્યો છે તે સમગ્ર દેશે જોયું છે અને તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેને લોકશાહીની હત્યા ગણાવીને અરજદાર પક્ષે હાઇકોર્ટને દરમિયાનગીરી કરવા અપીલ કરી હતી.
ચંદીગઢ પ્રશાસને આ મામલે પોતાનું વલણ રજૂ કરવા માટે ચાર સપ્તાહનો સમય માંગ્યો હતો. હાઈકોર્ટે વહીવટીતંત્રને ત્રણ સપ્તાહનો સમય આપતા સુનાવણી મોકૂફ રાખી છે.
અરજદાર પક્ષ દ્વારા એવી અપીલ કરવામાં આવી હતી કે જ્યારે પિટિશન પેન્ડિંગ હોય ત્યારે મનોજ સોનકરને મેયર તરીકે કામ કરવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ, પરંતુ હાઈકોર્ટે તેનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે ચંદીગઢ પ્રશાસનના જવાબ પછી જ કોઈપણ વચગાળાની રાહત અંગેનો આદેશ જારી કરવામાં આવશે. વહીવટીતંત્ર વતી દલીલ કરવામાં આવી હતી કે આ અરજી માન્ય નથી કારણ કે હાલમાં અરજદાર પાસે અન્ય વિકલ્પો ઉપલબ્ધ છે.
મેયર પદ માટેના કોંગ્રેસ-આપના ઉમેદવાર કુલદીપ કુમારે ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયર ચૂંટણીમાં ધાંધલ ધમાલનો આક્ષેપ કરીને ચૂંટણી રદ કરવાની માગણી કરતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતી.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી ૩૦ જાન્યુઆરીએ થવાની હતી. કાર્યક્રમ મુજબ મંગળવારે પણ ચૂંટણી યોજાઈ હતી, પરંતુ મેયરની ચૂંટણીમાં કોંગ્રેસ-આપના ૨૦માંથી ૮ મત અમાન્ય જાહેર થયા હતા, જેના કારણે ભાજપના ઉમેદવાર મેયર તરીકે ચૂંટાયા હતા.
અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મત ગણતરી દરમિયાન પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહે બેલેટ પેપર સાથે ચેડા કર્યા હતા જેના કારણે તેમના મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. કુલદીપ કુમાર વતી વરિષ્ઠ એડવોકેટ ગુરમિન્દર સિંહે બપોરે ૨:૧૫ વાગ્યે હાઈકોર્ટને વિનંતી કરી કે તેમની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવામાં આવે અને આ ચૂંટણીનો રેકોર્ડ સીલ કરવામાં આવે કારણ કે તે લોકશાહીની સીધી હત્યા છે. હાઈકોર્ટે આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈક્ધાર કરી દીધો છે અને બુધવારે સવારે સુનાવણી નક્કી કરી છે.અરજીમાં કહેવામાં આવ્યું હતું કે હાઈકોર્ટમાં ચંદીગઢના ડીજીપીએ પારદર્શી ચૂંટણી કરાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી, તેમ છતાં ચૂંટણી નિષ્પક્ષ નથી. ભાજપના ઉમેદવારને વિજયી બનાવવા આપઁ-કોંગ્રેસ ગઠબંધનના મતો સાથે છેડછાડ કરવામાં આવી હતી. આવા સંજોગોમાં હાઈકોર્ટમાં એવી અપીલ કરવામાં આવી હતી કે આ ધાંધલ ધમાલવાળી ચૂંટણી પ્રક્રિયાને રદ કરવામાં આવે અને નવેસરથી ચૂંટણી યોજવા સૂચના આપવામાં આવે.
ચૂંટણીઓ હાઇકોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ થવી જોઈએ જેથી તેની નિષ્પક્ષતા જળવાઈ રહે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન થયેલી હેરાફેરીની તપાસ માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એસઆઇટીની રચના કરવી જોઈએ અને ચૂંટણી સંબંધિત સમગ્ર રેકોર્ડ સીલ કરવામાં આવે.