નવીદિલ્હી, રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહે ચંદીગઢ મેયર ચૂંટણી કેસમાં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. એફિડેવિટ દાખલ કરીને કોર્ટની તિરસ્કારની નોટિસનો જવાબ આપ્યો છે. આ એફિડેવિટમાં તેઓ આપ સભ્યો દ્વારા ૮ બેલેટ પેપર બગાડવાના દાવા પર અડગ છે પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ સુપ્રીમ કોર્ટના પ્રશ્ર્નોના યોગ્ય જવાબ આપી શક્યા નથી. તેણે વધુમાં કહ્યું કે વીડિયો લીક થયા બાદ તે ડિપ્રેશનમાં હતો. વધુમાં કહેવાયું છે કે આ તંગ વાતાવરણમાં કોર્ટમાં થયેલી ગરમ ચર્ચાએ મને પ્રભાવિત કર્યો છે. હું કોર્ટમાં પ્રશ્ર્નોના જવાબ આપતો હતો ત્યારે પણ હું દવા લેતો હતો.
તમને જણાવી દઈએ કે ચંદીગઢના મેયર ઈલેક્શન રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી. સર્વોચ્ચ અદાલતે મત ગણતરી દરમિયાન તેની સમક્ષ ખોટી રજૂઆત કરવા અને ’ગેરકાયદે કૃત્યો’ કરવા બદલ અધિકારી વિરુદ્ધ ફોજદારી કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે મસીહે આઠ બેલેટ પેપરને ચિહ્નિત કર્યા હતા, જેથી તેમને અમાન્ય ગણવા માટેનો આધાર બનાવવામાં આવે. કોર્ટે આમ આદમી પાર્ટી -કોંગ્રેસ ગઠબંધનના પરાજિત ઉમેદવાર કુલદીપ કુમારને ચંદીગઢના નવા મેયર તરીકે ૩૦ જાન્યુઆરીના ચૂંટણી પરિણામો રદ કરીને જાહેર કર્યા હતા.
મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે તે પણ સ્પષ્ટ છે કે પ્રિસાઇડિંગ ઓફિસર (મસીહ) દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકા ગંભીર ગેરવર્તણૂક છે. બેન્ચમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાનો પણ સમાવેશ થાય છે. બેન્ચે સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર (ન્યાયિક)ને મસિહને નોટિસ પાઠવવાનો નિર્દેશ આપ્યો હતો કે કોર્ટ સમક્ષ કથિત રીતે ખોટું નિવેદન આપવા બદલ તેની સામે કોઈ પગલાં કેમ ન લેવા જોઈએ. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૩૪૦ હેઠળ કાર્યવાહી શરૂ થવી જોઈએ.