ચંદીગઢ, ચંદીગઢ મેયર ચૂંટણી કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો જાહેર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે જે ૮ વોટને અમાન્ય ઠેરવાયા હતા તેને પણ ગણતરીમાં લઈને પછી રિઝલ્ટ જાહેર કરવાનો આદેશ આપ્યો છે. હકીક્તમાં રિટનગ ઓફિસર અનિલ મસીહે ૮ વોટ રદબાતલ કરી દેતાં ફક્ત ૧૬ મતો વાળા ભાજપના મનોજ સોનકર મેયર પદે ચૂંટાઈ આવ્યાં હતા જ્યારે આપ-કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર પાસે ૨૦ વોટ હોવા છતાં પણ તેઓ હાર્યાં હતા.
આમ આદમી પાર્ટીએ મેયરની ચૂંટણીમા હેરાફેરીના કેસને સુપ્રીમમાં પડકાર્યો હતો જેની પર સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમમાં રિટનગ ઓફિસર અનિલ મસીહ પણ હાજર રહ્યાં હતા. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડવાળી ખંડપીઠે અનિલ મસીહને બરાબરના ખખડાવ્યાં હતા અને તેમને ૮ વોટોને ગણતરીમાં લઈને પછી રિઝલ્ટ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો.
ચંદીગઢ મેયરની ચૂંટણી ૩૦ જાન્યુઆરીએ યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ-આપ ગઠબંધનને કુલ ૨૦ વોટ અને ભાજપને ૧૬ વોટ હતા. જો સંખ્યાત્મક તાકાત પર નજર કરીએ તો તે AAP અને કોંગ્રેસની તરફેણમાં હતી પરંતુ ભાજપે ચૂંટણી જીતી હતી. હકીક્તમાં, રિટનગ ઓફિસરે કોંગ્રેસ-આપ ગઠબંધનના ૮ મતો અમાન્ય જાહેર કર્યા હતા અને ભાજપના મનોજ સોનકરને વિજેતા જાહેર કર્યા હતા. આ અંગે ભારે હોબાળો થયો હતો. એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો અને તેના આધારે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ઓફિસર અનિલ મસીહે બેલેટ પેપર સાથે ચેડા કર્યા હતા. મામલો સુપ્રીમમાં જતાં મેયર મનોજ સોનકરે રાજીનામું આપ્યું હતું. ભાજપના ઉમેદવાર મનોજ સોનકરે ચંદીગઢ મેયર પદેથી રાજીનામું આપ્યું છે જોકે રાજીનામા સાથે આમ આદમી પાર્ટીના ૩ કોર્પોરેટરોએ રાજીનામા આપીને ભાજપમાં જોડાયા છે તેથી ભાજપનું પલડું ભારે છે તેથી હવે નવેસરથી મતગણતરીમાં ભાજપના ઉમેદવારને જ વધારે વોટ મળશે અને તેનો જ મેયર બને તે નક્કી છે.