ચાલુ ફરજે હાર્ટ એટેક આવતા પીએસઆઇનું મૃત્યુ, પોલીસ બેડામાં ભારે શોકનો માહોલ

અમદાવાદ, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વધુ એક હાર્ટ એટક બાદ મોતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લાના પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. અમદાવાદમાં ચાલુ ફરજે પોલીસકર્મીનું મૃત્યુ થતાં પોલીસ બેડામાં ભારે શોક છવાઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર, વિરમગામમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા કલ્પેશ કલાલને આજે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.પીએસઆઇ કલ્પેશ કલાલના નિધનને પગલે પરિવારમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. સાથે પોલીસ બેડામાં પણ ભારે શોક વ્યાપી ગયો છે.

ગત ૧૫ જૂને જખૌ મરીન પોલીસ સ્ટેશનના એએસઆઇ અનિલ જોશીનું પણ હાર્ટ એટકથી મૃત્યુ થયું હતું. કચ્છમાં બિપોરજોય વાવાઝોડાનું લેન્ડફોલ ચાલી રહ્યું હતું, તે દરમિયાન વાવાઝોડાને પગલે જખૌ મરીન પોલીસ સ્ટેશનના એએસઆઇ અનિલ જોશી ફરજ પર હાજર હતા. આ સમયે મોડી રાત્રે ૧ વાગ્યે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. પોલીસકર્મીને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું. હાર્ટ એટેકના કારણે પોલીસકર્મીનું મૃત્યુ નિપજતા પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ હતી.