મુંબઇ,
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર એક કારનું ટાયર ફાટતા તેમાં સવાર છ લોકોના મોત થયા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ અકસ્માત શિવણી પીસા ગામમાં થયો હતો. કાર ઔરંગાબાદથી શેગાંવ તરફ જઈ રહી હતી ત્યારે ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. બાદમાં કારમાં સવાર લોકોને બચાવવા જહેમત શરૂ કરી જો કે ત્યાં સુધીમાં તો કારમાં સવાર તમામના મોત થઈ ચૂક્યા હતા.
વધુમાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે કારમાં લખેલા નંબરોના આધારે કારના માલિકની ઓળખ કરવામાં આવી રહી છે. અધિકારીએ કહ્યું હતુ કે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના સંબંધીઓને માહિતી મોકલી દેવામાં આવી છે. સગા-સંબંધીઓ મૃતદેહ લેવા આવી રહ્યા છે. પોલીસનુ માનીએ તો પ્રાથમિક દૃષ્ટિએ અકસ્માતનું કારણ ટાયર ફાટવું હોવાનું જણાય છે. પરંતુ, પોલીસની ટીમ હજુ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ત્યાર બાદ જ તેને સંબંધીઓને લાશ સોંપવામાં આવશે.
ઘટનાસ્થળે હાજર લોકો સાથે વાત કરીને પોલીસે અકસ્માતનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે. તો આ પહેલા બુલઢાણા જિલ્લામાં સમૃદ્ધિ હાઈવે પ્રોજેક્ટ માટે મજૂરોને લઈ જતું વાહન પલટી ગયું હતું. આ અકસ્માતમાં ૧૩ લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ ડમ્પર પર લોખંડના સળિયા ભરેલા હતા. પરંતુ, ડમ્પર બેકાબુ થઈને રોડ પર પલટી ગયું હતું. અકસ્માતમાં ડમ્પર પર સવાર ૧૬ મજૂરો દટાયા હતા. જેમાં ૮ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે હોસ્પિટલમાં લઈ જતી વખતે પાંચના મોત થયા હતા.