ચાલુ એશિયા કપ વચ્ચે શ્રીલંકાના ખેલાડીની ધરપકડ

મુંબઇ, શ્રીલંકાના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી સચિત્રા સેનાનાયકેની મેચ ફિક્સિંગના આરોપમાં ૬ સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી છે. શ્રીલંકા માટે ત્રણેય ફોર્મેટમાં રમનારા સેનાનાયકે પર ૨૦૨૦માં શ્રીલંકા પ્રીમિયર લીગ દરમિયાન એક મેચમાં હેરાફેરી કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો હતો.તેણે કથિત રીતે બે ખેલાડીઓને મેચ ફિક્સ કરવા માટે ઉશ્કેર્યા હતા. કોર્ટે ત્રણ અઠવાડિયા પહેલા સેનાનાયકેને વિદેશ જવા પર પણ પ્રતિબંધ મુક્યો હતો.

સચિત્રા સેનાનાયકેને ખેલ મંત્રાલયના વિશેષ તપાસ એકમ સમક્ષ આત્મસમર્પણ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. સેનાનાયકે પર આરોપ છે કે, તેણે મેચ ફિક્સ કરવા માટે ટેલિફોન દ્વારા બે ખેલાડીઓનો સંપર્ક કર્યો હતો. કોલંબોની ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થતાં સેનાનાયકેને ગયા મહિને દેશ છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

મેચ ફિક્સિંગને લઈને તેના પર લાગેલા આરોપો અંગે સચિત્રા સેનાનાયકેએ તેને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. સેનાનાયકેએ વર્ષ ૨૦૧૨માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. આ પછી, તેણે શ્રીલંકા માટે ૪૯ વનડે મેચોમાં ૩૫.૩૫ની એવરેજથી ૫૩ વિકેટ લીધી. જ્યારે સેનાનાયકે ૨૪ ટી૨૦ મેચ રમીને ૨૫ વિકેટ લીધી હતી અને તેને શ્રીલંકા માટે ૧ ટેસ્ટ મેચ રમવાની તક પણ મળી હતી.

૨૦૧૪માં જ્યારે શ્રીલંકાએ ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત સામે જીત મેળવી હતી, ત્યારે સેનાનાયકે પણ તે ટીમનો એક ભાગ હતો. સેનાનાયકે એ વર્લ્ડ કપમાં ૬ મેચમાં માત્ર ૪ વિકેટ લીધી હતી. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન, સેનાનાયકેને શંકાસ્પદ બોલિંગ એક્શનને કારણે થોડા મહિનાના પ્રતિબંધનો સામનો પણ કરવો પડ્યો છે. સેનાનાયકે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે અને તેણે ૮ મેચમાં ૯ વિકેટ લીધી હતી.