
મુંબઇ,
મુંબઈની માલવણી પોલીસે બીજી વખત નકલી ચલણી નોટો સાથે બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ૧૯ લાખ રૂપિયાની અલગ અલગ દરની નકલી ચલણી નોટો જપ્ત કરી છે. જેમાં રૂપિયા ૨૦૦૦, ૫૦૦, ૨૦૦ અને રૂપિયા ૧૦૦ ના દરની નકલી નોટોનો સમાવેશ થાય છે. આ આરોપીઓ પાલઘરથી મુંબઈ આવ્યા બાદ નકલી ચલણી નોટો બજારમાં ચલાવતા હતા. જેમાં ચાંદીના તારને બદલે નકલી નોટની વચ્ચે વાદળી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
તેમનો પ્રયાસ હતો કે નોટ નકલી ન લાગે. માલવણી પોલીસને ૨૩ જાન્યુઆરીએ રાત્રે પેટ્રોલિંગ દરમિયાન માલવાણી ગેટ નંબર ૮, MHB કોલોની પાસે એક વ્યક્તિ મળી આવ્યો હતો. પોલીસે તેની તલાશી લેતા આરોપી ફહિલ ઈરફાન શેખ પાસેથી રૂપિયા ૧ લાખની નકલી નોટો મળી આવી હતી. માલવાણી પોલીસે અન્ય આરોપી મહેબૂબ નબીસાબ શેખની પાલઘરથી ધરપકડ કરી છે. તેના ઘરમાં સર્ચ દરમિયાન ૧૯ લાખની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે.
આ નકલી નોટોમાં રૂપિયા ૨૦૦૦ની, ૫૦૦ ની નોટ, રૂપિયા ૫૦૦ની ૧૮૦૦ નોટો, રૂપિયા ૨૦૦ ની ૫ નોટો, રૂપિયા ૧૦૦ની ૫ નોટો જપ્ત કરવામાં આવી છે. તેમની પાસેથી કુલ ૧૯ લાખ રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે.
માલવણી પોલીસ હવે આરોપીઓને ૧૯ લાખની નકલી નોટો ક્યાંથી લાવ્યા તેઓ તપાસ કરી રહ્યા છે કે આ ક્યાંથી છપાયા હતા, તેમની સાથે કેટલા લોકો હતા. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ જય કુમાર બંસલના જણાવ્યા અનુસાર પાલઘર બોઈસરમાં આરોપી મહેબૂબ નબીસાબ શેખ વિરુદ્ધ આઇપીસીની કલમ ૪૨૦ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ નકલી નોટો ક્યાં બને છે તે અંગે માલવણી પોલીસ તપાસ કરી રહી છે. હાલ માલવણી પોલીસને બંને આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે. હજુ વધુ કેટલાક આરોપીઓ સુધી પોલીસ પહોંચવાની કોશિષ કરી રહી છે. આ પછી જ આ કૌભાંડ કેટલું મોટું છે તેની ખબર પડી શકે છે.