ચક્રવ્યૂહ ભાષણ પર મારા ઘરે ઈડીની રેડ પડશે’ વિપક્ષ નેતા રાહુલ ગાંધીનો દાવો

લોક્સભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તેમની સામે દરોડા પાડવાની યોજના બનાવી રહ્યું છે. તેમનું કહેવું છે કે ‘ચક્રવ્યુહ’ ભાષણ પછી આ કાર્યવાહીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. હકીક્તમાં, સામાન્ય બજેટ ૨૦૨૪ પર વાત કરતી વખતે, કોંગ્રેસના સાંસદે કમળના પ્રતીકનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ૨૧મી સદીમાં એક નવું ચક્રવ્યુહ બની રહ્યું છે. માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ એકસ પર રાહુલે લખ્યું, ‘દેખીતી રીતે ૧ માં ૨ ને મારું ચક્રવ્યુહ ભાષણ પસંદ ન આવ્યું. ઈડીના આંતરિક સૂત્રોએ મને કહ્યું છે કે દરોડાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે પોસ્ટમાં ઈડીને ટેગ કરીને આગળ લખ્યું, ‘મારી બાજુથી ચા અને બિસ્કિટ.’ રાહુલ ગુરુવારે કેરળના વાયનાડ પહોંચ્યા હતા.

રાહુલે કહ્યું હતું કે, ‘હજારો વર્ષ પહેલા કુરુક્ષેત્રમાં ૬ લોકોએ અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને તેની હત્યા કરી હતી. મેં થોડું સંશોધન કર્યું છે અને જાણવા મળ્યું છે કે ચક્રવ્યુહને પદ્મવ્યુહ પણ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે કમળ જેવી રચના અને તે પણ કમળના આકારમાં. વડાપ્રધાન આ પ્રતીકને પોતાની છાતી પર ધારણ કરે છે.

તેમણે આગળ કહ્યું, ‘અભિમન્યુ સાથે જે કરવામાં આવ્યું તે ભારત સાથે કરવામાં આવી રહ્યું છે. આ યુવાનો, ખેડૂતો, મહિલાઓ, નાના અને મયમ ઉદ્યોગો સાથે કરવામાં આવી રહ્યું છે. અભિમન્યુને ૬ લોકોએ માર્યો હતો. આજે પણ ચક્રવ્યુહના કેન્દ્રમાં ૬ લોકો છે. ૬ લોકો આજે ભારતને નિયંત્રિત કરે છે. જેમાં તેણે પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, આરએસએસ ચીફ મોહન ભાગવત, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ઉદ્યોગપતિ અંબાણી અને અદાણીના નામ લીધા હતા. રાહુલે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ ચક્રવ્યુહ કરોડો લોકોને નુક્સાન પહોંચાડી રહ્યું છે.

તેના પર ભાજપે ટોણો મારતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેટલાક લોકો ‘આકસ્મિક હિંદુ છે અને તેમનું મહાભારતનું જ્ઞાન પણ આકસ્મિક છે.’ તેમણે ૭ ચક્રવ્યુહ ગણીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે પહેલો ચક્રવ્યુહ ખુદ કોંગ્રેસ છે, જેણે દેશના ભાગલા પાડ્યા.