ચકલાસી રઘુપુરા ગામના ખેડુતે પ્રાકૃતિક ખેતીથી સુરણ, ભીંડા અને દુધીનુ કર્યુ વાવેતર

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના ખેડુતોને પ્રાકૃતિક ખેતી અપનાવાનું આહવાન કર્યુ છે. જેના ભાગરૂપે વિભિન્ન વયજૂથના ખેડુતોએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. જીલ્લા ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેક્ટના કાર્યક્રમો અને માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. આજે વાત કરીએ નડિયાદ તાલુકાનાં ચકલાસીના રધુપુરા ગામના ખેડુતની જેમણે પ્રાકૃતિક ખેતી અપનાવીને અન્ય ખેડુતોને પ્રાકૃતિક ખેતીનો સંદેશો આપી રહ્યા છે.

નડિયાદ તાલુકાનાં ચકલાસીના રઘુપુરા ગામના 62 વર્ષીય રાવજીભાઈ સોમાભાઈ વાઘેલાએ તેમના સાત વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતીથી સુરણ, ભીંડા અને દુધીની ખેતી કરી છે.

રાવજીભાઈ છેલ્લા બે વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે જેમાં તેઓ વિવિધ શાકભાજી, બાજરી, ઘઉં વગેરેનું ઉત્પાદન કરી રહ્યા છે.

રાવજીભાઈએ આ વર્ષે તેમના ખેતરમાં સુરણ, ભીંડા અને દુધીની ખેતી કરી છે. તેમણે અઢી વીઘામાં સુરણ, સાડા ચાર વીઘામાં ભીંડા અને અડધા વીઘામાં દૂધી ઉગાડેલ છે. રાવજીભાઈ દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરે છે. સરકાર તરફથી તેમને પ્રતિમાસ રૂ. 900 દેશી ગાય નિભાવ ખર્ચ માટે સહાય પેટે મળે છે.

પ્રાકૃતિક ખેતી તરફના પ્રયાણની વાત કરતા રાવજીભાઈ જણાવે છે કે પહેલા તેઓ સંપુર્ણ રાસાયણિક ખેતી કરતા હતા. પરંતુ ખેડા આત્મા પ્રોજેક્ટનાં સભ્યોના સંપર્કમાં આવતા તેઓ પ્રાકૃતિક ખેતીનાં લાભથી વાકેફ થયા. આજે તેઓ પોતાની પ્રાકૃતિક ખેત-પેદાશોને સ્વંય અને પરીવારમાં ઉપયોગ કરે છે. સાથે જ ખેત-પેદાશોનું વેચાણ કરી સારી એવી આવક પણ મેળવે છે અને અન્ય ખેડુતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંદેશો આપી રહ્યા છે.

ત્યારે હવે નડિયાદ સહિત જીલ્લાવાસીઓને પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલ સુરણ, ભીંડા અને દુધીનો ઈંતેજાર રહેશે.

Don`t copy text!