મહીસાગર જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની સૂચના મુજબ, લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાલાસિનોર શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બે શખ્સોની ધરપકડ કરી છે. LCB સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન શ્રેયસ સ્કૂલના ગેટ સામે બે શખ્સો ચાઈનીઝ દોરી વેચતા હોવાની માહિતી મળી હતી. પોલીસે આ બંને શખ્સોને ખાખી કલરના બોક્સ સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ સિઝાન આશિષ મંસુરી (રહે. નબ ગુજરાત સામે, બાલાસિનોર) અને સુહાન મુતલીબ શેખ (રહે. આશિયાના સોસાયટી, રાજપુર રોડ, બાલાસિનોર) તરીકે થઈ છે.
તેમની પાસેથી કુલ 48 ફિરકી ચાઈનીઝ દોરી મળી આવી છે, જેની કિંમત રૂ. 36 હજાર છે.જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, વધુ તપાસ માટે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.